
સંસારમાં એક મોટી ગેરસમજ મૃત્યુ બાબતે પ્રવર્તે છે. લોકોને ઘણીવાર આપણે એમ બોલતાં સાંભળીએ છીએ કે છઠની સાતમ થવાની નથી. જાણે મૃત્યુની ઘડી અને પળ નિશ્ચિત હોય. એમાંય જયારે જૈનો આવી વાત કરે છે ત્યારે વધારે નવાઈ લાગે છે. અન્ય ધર્મીઓ કદાચ આવી વાત કરે કે માન્યતા ધરાવે તે તો કંઈક સમજી શકાય તેવું છે પણ તે વાજબી વાત નથી. જગતમાં એવી બે જ તત્વધારાઓ છે કે જેને વિશ્વના કર્તા, ભર્તા અને સંહર્તા તરીકે કોઈ પ્રકારે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી. જે ધર્મોએ ઈશ્વરના આવા અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે તેમને માટે તો વાત સરળ થઈ જાય છે કારણ કે જશનો કે અપજશનો ટોપલો ઈશ્વરને હવાલે કરી દેવાય. વળી ઈશ્વરે આમ કેમ કર્યું તેનો પણ કંઈ ઉત્તર આપવાની જરૂર રહેતી નથી. તેઓ સરળતાથી કહી દેશે ; ‘ઈશ્વરની ગતિ ગહન છે. પામર જીવ તેનો પાર ન પામી શકે.’ વાસ્તવિકતામાં મૃત્યુનાં વાર, તારીખ કે ઘડીપળ નિશ્ચિત નથી હોતાં પણ મૃત્યુ વિષેની આવી ભૂલભરેલી માન્યતાઓને કારણે ઘણીવાર લોકો મૃત્યુને નોંતરી બેસે છે.
યાત્રાએ જનારા ઘણા લોકો એમ જ માને છે કે ભગવાનના દર્શને જઈએ છીએ એટલે ભગવાન જ આપણી રક્ષા કરશે. આ માન્યતાને લીધે ઘણીવાર બેફામ રીતે વાહનો હંકારવામાં આવે છે અને વેળા-કવેળાનો ખ્યાલ રાખ્યા વગર લોકો યાત્રા માટે નીકળી પડે છે. સૌ જાણે છે કે યાત્રાએ જતાં કે પાછા વળતાં પણ ઘણા અકસ્માતો થયેલા છે અને માણસો તેમાં મરેલા છે. મૃત્યુ વિષેની ખોટી માન્યતાને લીધે એવી જ બીજી એક બેપરવાઈ માણસના આહાર-વિહારમાં જોવામાં આવે છે. સ્વાસ્થ્યનાં બધાં નીતિ-નિયમોને કોરાણે મૂકીને લોકો મિથ્યા આહાર-વિહાર અને વ્યસનો કરે છે અને કહેતા ફરે છે કે જે પળે મૃત્યુ લખાયું હશે તેને કોણ મિથ્યા કરી શકનાર છે ? વળી આવા લોકો તેમની વાતના સમર્થનમાં કેટલાક દાખલાઓ આપે છે જેમાં અમુક લોકો ખાવા-પીવામાં બેદરકાર હોવા છતાંય લાંબુ જીવ્યા હોય. આ દાખલાઓ ખરેખર તો અપવાદ જેવા હોય છે અને તેની પાછળ પણ સબળ કારણો હોય છે. દરેક માણસની શારીરિક સંરચના અલગ હોય છે. દરેકની ચયા-પચયની ક્ષમતા જુદી જુદી હોય છે. કોઈ કેટલીય સિગારેટો પીએ કે દારૂનું વ્યસન કરે પણ તેને કેન્સર ન થાય અને લાંબુ જીવે તો તેની પાછળ બીજાં પરિબળો રહેલાં હોય છે. પણ તેનો દાખલો લઈને આપણે વ્યસનો કરતા ફરીએ તો મૃત્યુ વહેલાં વહેલાં આપણાં બારણાં ખટખટાવે એમાં નવાઈ નહિ. આમ, મૃત્યુ વિષેની ભૂલભરેલી માન્યતાઓને કારણે કેટલાંય મૃત્યુ અકાળે થાય છે કે જે નિવારી શકાયાં હોત.
કર્મની જે વ્યવસ્થા છે તેમાં મૃત્યુ વિષે જે વાત કરવામાં આવી છે તે ખૂબ વૈજ્ઞાનિક છે. કર્મના બંધ વિષે આગળ ઉપર ચર્ચા કરતાં આપણે જોઈ ગયા કે કર્મનો બંધ ચાર પ્રકારે પડે છે. સ્થિતિબંધ, રસબંધ અને પ્રકૃતિબંધ. મૃત્યુ વિષે સમજવા માટે પ્રદેશબંધ ઉપર વધારે વિચાર કરવો રહ્યો. બ્રહ્માંડ કર્મના પરમાણુઓ અને જો વૈજ્ઞાનિક રીતે કહીએ તો કર્મ બનાવની ક્ષમતાવાળી અતિસૂક્ષ્મ પરમાણુઓ રજથી વ્યાપ્ત છે. જીવ પોતાના કષાયો-રાગ-દ્વેષને લીધે આ પરમાણુઓને પોતાની તરફ ખેંચી લઈને પોતાની સાથે ઓતપ્રોત કરી દે છે. જ્યાં સુધી જીવ આ કર્મરજને ગ્રહણ કરતો નથી ત્યાં સુધી વાસ્તવિકતામાં કર્મ બનતાં નથી. જીવ રાગ-દ્વેષ આદિ ભાવો અને તેનાં પ્રેરિત મન, વચન અને કાયાના યોગોને કારણે જેટલા જથ્થામાં-પ્રમાણમાં આ કર્મરજ ગ્રહણ કરે છે તેને પ્રદેશબંધ તરીકે ઓળખવામાં આવે છે. જીવ જયારે પોતાનું આયુષ્ય બાંધે છે ત્યારે તે હવે પછી કઈ ગતિમાં જશે એટલે કે મનુષ્ય થશે, દેવ થશે, પશુ-પક્ષી થશે કે નારકીમાં જશે તે નક્કી થઈ જાય છે. વળી જે તે ગતિમાં તે કેટલું રહેશે તેનો આધાર તેણે ગ્રહણ કરેલા કર્મ-પરમાણુઓના જથ્થા ઉપર રહેલો હોય છે. જીવ સાથે જડાઈ ગયેલા આ પરમાણુઓ જ્યાં સુધી ભોગવાઈને કે કોઈ આકસ્મિક કારણથી ખરી ન પડે ત્યાં સુધી માણસનું મૃત્યુ થતું નથી. જો કોઈ જીવ, મિથ્યા આહાર-વિહાર-વ્યસનો-અકસ્માત-ભય-શોક- ઇત્યાદિ કારણોને લઈને આયુષ્યના પરમાણુઓ જલદીથી ભોગવી નાખે-ખપાવી દે તો તેનું મૃત્યુ થાય. જે જીવ સ્વાસ્થ્ય ઈત્યાદિના નિયમો પાળી સાચવીને રહે છે તેનો આયુષ્યના કર્મ-પરમાણુઓનો જથ્થો વપરાતાં વાર લાગે છે અને તેથી તે લાંબુ જીવે છે. પ્લેન તૂટે કે કોઈ અકસ્માત થાય ત્યારે તેના પ્રવાસીઓના આયુષ્યના પરમાણુઓ આઘાત-પ્રત્યાઘાતથી એક સાથે ભોગવાઈને પૂરા થઈ જાય છે માટે બધા મરી જાય છે, નહિ કે બધાનાં મૃત્યુનાં ઘડીપળ નક્કી હતા. જે કોઈ અપવાદરૂપે બચી જાય છે તેનું કારણ એ છે કે તેના આયુષ્યના પરમાણુઓ એટલા સજ્જડ તેમજ ગાઢ હતા કે અકસ્માતનો આઘાત-પ્રત્યાઘાત તે જીરવી શક્યા અને જીવથી છૂટા ન પડી શક્યા. આવા પ્રસંગો વધારે અપવાદ રૂપ છે ; નિયમરૂપ નથી. જે અપવાદ છે તેને આધારે આપણે જીવનનું આયોજન કરીએ તો મોટેભાગે નિષ્ફળ જઈએ. એ જ રીતે દારૂના કે ડ્રગ્સના વ્યસનમાં ફસાયેલો માણસ સત્વરે પોતે બાંધેલા આયુષ્યના પરમાણુઓ ભોગવી નાખે છે. પરિણામે તે વહેલો મરે છે. જો આયુષ્યને નિશ્ચિત જ કહેવું હોય તો એ રીતે કહી શકાય કે જે જથ્થામાં જીવે આયુષ્યના પરમાણુઓ ગ્રહણ કરેલા છે તે જથ્થો નિશ્ચિત છે, પણ તે કેટલા કાળમાં ભોગવી લેશે કે વેડફી નાખશે કે અકસ્માતથી ખલાસ થઈ જશે તે કાળ નક્કી નથી હોતો. જેમ કોઈ માણસે પોતાના પુત્રો માટે ચાર કરોડ રૂપિયા મૂક્યા છે. તેના ચારેય પુત્રોને ભાગે કરોડ-કરોડ રૂપિયા આવે છે. હવે આ ચારેય પુત્રો પોતપોતાના ભાગમાં આવેલા કરોડ રૂપિયા કેવી ઝડપે વાપરે છે તેના ઉપર પોતાનો ભાગ કેટલો સમય પહોંચશે તેનો આધાર રહે છે. જે છોકરો પોતાનો ભાગ ઝડપથી વાપરે છે કે વેડફે તે વહેલો ખાલી થઈ જાય. જે ખૂબ સાચવીને ધીમે ધીમે વાપરે તેની પાસે લાંબો સમય સુધી આ રકમ ચાલે. લગભગ આવી જ વાત આયુષ્યના પરમાણુઓના જથ્થાના સંગ્રહની છે. જે જલદીથી વાપરે કે જેનો જથ્થો-સ્ટોક જલદીથી વપરાઈ જાય કે તૂટીને ખરી પડે તે વહેલો મરી જાય. માટે તો આવાં મૃત્યુને અકાળે મૃત્યુ કહે છે. કાથીની એક દોરડીને છેડે એક ચિનગારી ચાંપીએ અને લટકાવી રાખીએ તો તે આખો દિવસ ચાલે છે પણ જો દોરડીને ભેગી કરી દઈએ તો ચારેબાજુ ચિનગારી લાગશે અને બે-પાંચ મિનિટમાં દોરડી બળી જાય છે એના જેવી વાત આયુષ્યની છે.
જગતમાં જૈન ધર્મ સિવાય કોઈએ પણ કર્મના પ્રદેશબંધ અંગેનો વિચાર કર્યો નથી. તેથી અન્ય કોઈ તત્વધારામાં અકાળે થનારા મૃત્યુ વિષે કોઈ તર્કબદ્ધ ગળે ઊતરે એવું સમાધાન મળતું નથી. એકલા જૈન આર્ષદ્રષ્ટાઓએ જ કર્મના ચાર પ્રકારના બંધો અને એમાંય પ્રદેશબંધની વાત કરી છે જે બધી જ રીતે મૃત્યુ તો શું દરેક પ્રસંગ ઉપસ્થિત થવાનાં કારણોને કર્મના સંદર્ભમાં યોગ્ય રીતે મૂલવી શકે છે.
મૃત્યુ જેવી જ બીજી એક ગહન વાત છે જન્મની. તેની કસોટીએ પણ જૈન કર્મસિદ્ધાંત સિવાય બીજો કોઈ કર્મસિદ્ધાંત ચડી શકે તેમ નથી. જન્મનાર બાળકનો કે જીવનો દેખાવ કેવો છે ? તેનાં રૂપ-રંગ કેવા છે ? તેની ઊંચાઈ ઇત્યાદિ કેવા થશે અને તે ક્યાં જન્મે છે તેના ઉપર તેના સમસ્ત ભાવિ જીવનનો આધાર હોય છે. દુનિયામાં જન્મ લેનાર દરેક બાળકના સંજોગો જુદા હોય છે તેના રૂપ-રંગ, અંગોપાંગ, ઊંચાઈ-નીચાઈ, હાડકાનું માળખું, આંખ, કાન, નાક બધામાં ક્યાંય મળતાપણું હોતું નથી. અરે, એક જ માતા-પિતાનાં સંતાનો વચ્ચે પણ સારો એવો તફાવત હોય છે. જો ભગવાનને સૌના જન્મ માટે જવાબદાર ગણીએ તો પછી ભગવાનની કરુણા વિષે આપણને શંકા થયા વિના રહે નહિ. જો ભગવાન કોઈને રૂપાળો બનાવે અને કોઈને કદરૂપો બનાવે, કોઈને દોમ-દોમ સાહેબી વચ્ચે જન્માવે અને બીજાને ગંધાતી ગલીઓમાં જન્મ આપે તો પછી ભગવાનમાં ભગવદ્દતા ક્યાં રહી ? ઈશ્વરપણું ક્યાં રહ્યું ? કર્મની વ્યવસ્થામાં ઈશ્વરનો કે ગમે તેનો આવો હસ્તક્ષેપ ચાલી શકે તો તેમાં સિદ્ધાંત જેવું શું રહ્યું ? કર્મના સિદ્ધાંત પ્રમાણે તો જીવ માતાના ગર્ભમાં પ્રવેશ કરે ત્યાર પછી તે પોતે જ પોતાનાં અંગોપાંગ, રૂપ-રંગ, દેહની રચના, હાડકાનું માળખું ઇત્યાદિ તૈયાર કરે છે અને તે સંરચના માટે તે જે પરમાણુઓ માતાના ઉદરમાં ગ્રહણ કરે છે તે તેનાં પોતાનાં કર્મોને આધીન હોય છે. હવે આમાં ઈશ્વરનો કે કોઈનોય દોષ કાઢવાનો અવકાશ રહેતો નથી. આપણે જેવા જન્મ્યા, જે પરિસ્થિતિમાં જન્મ્યા તેમાં આપણાં પોતાનાં કર્મોએ જ મહત્વનો ભાગ ભજવ્યો હોય છે. આપણે કોઈ ભવમાં કોઈનાં અંગો કે ઉપાંગો છેદ્યા હોય તો આપણે અપૂર્ણ અંગોપાંગવાળા જન્મીએ કે પાછળથી ગુમાવી પણ બેસીએ. આપણે કોઈ જીવની દેહાકૃતિની અવહેલના કરી તેનો ઉપહાસ કરી, તે જીવને પારાવાર દુઃખ આપ્યું હોય તો આપણે પણ એવા જ થઈએ. આ રીતે આપણે જેવું કરીએ છીએ તે પામીએ છીએ. સંસારમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે મનાય છે કે માના ગર્ભમાં જીવ ત્રણ માસ પછી પ્રવેશ કરે છે તે વાતનો એટલો જ અર્થ છે કે ત્રણ માસ પછી ગર્ભના હલનચલનથી આપણને તેનું અસ્તિત્વ સ્પષ્ટ વર્તાય છે. જો જીવ માતાના ઉદરમાં ત્રણ માસ સુધી આવતો જ ન હોય તો ગર્ભનો વિકાસ જ ન થાય. નિર્જીવ વસ્તુનો વિકાસ સંભવતો નથી. સજીવનો જ વિકાસ થાય એ વાત તો વિજ્ઞાન પણ સ્વીકારે છે.
આમ, જન્મ અને મરણ વિષેના કેટલાક પ્રચલિત ખ્યાલો ક્યાં અને કેવી રીતે ખોટા છે અને તેને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી તે વાત ઉપર આપણે વિચાર કર્યો. જે સિદ્ધાંત સમકાલીન પ્રશ્નોનું સમાધાન ન આપી શકે તેની સિદ્ધાંત તરીકેની મહત્તા રહેતી નથી એ વાત નિર્વિવાદ છે.