
કર્મની વ્યવસ્થા – કર્મવિજ્ઞાનનો અભ્યાસ એટલા માટે કરવાનો છે કે આપણે તેનાથી બચી શકીએ. જેને આપણે ઓળખી લઈએ છીએ તેનાથી બચવું સરળ છે. આપણે કર્મ કેવી રીતે બંધાય છે અને તેનું આઠ પ્રકારની પ્રકૃત્તિઓમાં કેવી રીતે વિભાગીકરણ થઈ જાય છે તે વાત જોઈ ગયા. આમ તો કર્મ માત્ર દુઃખદાયક છે પણ એ તો તાત્વિક વાત થઈ જેની આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. પણ તે પહેલાં આપણે સમજી લઈએ કે કર્મ બે પ્રકારે ઓળખાય છે. શુભ અને અશુભ. જેનું પરિણામ આપણને ગમે છે, રુચિકર લાગે છે તેને શુભ કર્મો ગણવામાં આવે છે. જેનું જેનું પરિણામ આપણને દુઃખદાયક લાગે, જે કર્મ ભોગવતાં આપણને વેદના થાય, ચિત્તમાં કલેશ થાય એ બધાં અશુભ કર્મો કહેવાય છે. હવે શુભ કર્મ ક્યાં કારણોને લીધે બંધાય છે અને અશુભ કર્મ ક્યાં કારણોને લીધે બંધાય છે એ વાત આપણને બરોબર સમજાઈ જાય તો પછી આપણી પ્રવૃત્તિ શુભકર્મ તરફની રહે અને આપણે અશુભ કર્મથી નિવૃત્ત થતા જઈએ. કર્મમાં પ્રવૃત્તિ કરતાંય વૃત્તિ વધારે મહત્વની છે. પ્રવૃત્તિ કરવી કે ન કરવી તે તો હજુય આપણા હાથમાં છે પણ વૃત્તિને કેળવવાનું ઘણું અઘરું છે. કર્મના બંધમાં પ્રેરકબળ વૃત્તિ છે તેથી આમ જોઈએ તો કર્મ માટે વૃત્તિ અને ભાવજગતને વધારે જવાબદાર ગણવાં પડે. જો આ વાત આપણે બરોબર સમજતા થઈ જઈએ તો કાળક્રમે આપણી પ્રવૃત્તિ તો શુભ તરફની રહે જ પણ આપણી વૃત્તિ પણ શુભ થતી જાય.
આમ જોઈએ તો વૃત્તિ અને પ્રવૃત્તિ બંને પરસ્પરના સંલગ્ન છે. એક લોકોકિત છે કે અજ્ઞાન જેવું કોઈ પાપ નથી. તેની પાછળનું રહસ્ય એ જ છે કે જે વાત આપણે જાણતા જ ન હોઈએ, સમજતા ન હોઈએ તેનાથી બચવું મુશ્કેલ છે. તેથી પ્રથમ તો આપણે એ વાત વિચારી લઈએ કે ક્યાં કારણોથી કર્મો બંધાય છે ? શુભ કર્મ અને અશુભ કર્મ બંને માટે ક્યાં પરિબળો જવાબદાર છે ? જે કર્મ બંધાઈ ચૂક્યાં છે તેને માટે શું થઈ શકે તે વાત આગળ વિચારીશું પણ તે પહેલાં તો જાગ્યા ત્યારથી સવાર ગણીને આગળ વધીએ.
આપણે આગળ ઉપર આઠ પ્રકારનાં કર્મોની વાત કરી હતી તો તે આઠેય પ્રકૃતિનાં કર્મોનું જીવ કેવી રીતે ઉપાર્જન કરે છે તે વિષે ચર્ચા કરીએ.
મનુષ્યને અજ્ઞાન જેટલું કોઈ કષ્ટ નથી. અજ્ઞાન જેવો કોઈ અંતરાય નથી. માણસ જ્ઞાન મેળવવા પ્રવૃત થાય નહિ અને થાય તો પણ તેને જ્ઞાન કોઠે ચઢે નહિ – આવું કર્મ હોય છે. જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનનાં સાધનો ઈત્યાદિની ઉપેક્ષા કરનાર, તેની નિંદા કરનાર, તેનો નાશ કરનાર, તેનો દુરુપયોગ કરનાર જીવ, જ્ઞાનવરણીય-જ્ઞાનને અવરોધનાર કર્મ બાંધે છે. જેટલા રસથી કે ઉત્સાહથી આવી અવહેલના કરી હોય એ પ્રમાણે આ કર્મનો બંધ પડે છે. કોઇં ભણતું હોય તેને વિક્ષેપ પાડીએ, કોઈને ભણવા ન દઈએ તો પણ આ કર્મ બંધાય છે. જ્ઞાન આપતાં પુસ્તકો વગેરેને અશુચિ ભરેલી જગાઓએ નાખીએ કે ત્યાં બેસીને વાંચીએ તો પણ આ બંધ પડે છે. ટૂંકમાં જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનોની વિરાધના ન કરવી. જે આવી વિરાધના કરે છે તે પરભવમાં જ્ઞાનથી વંચિત રહે છે. તેમને જ્ઞાન કોઠે ચડતું નથી. આથી ઊલટું જ્ઞાનીનાં વિનયથી, જ્ઞાનનાં બહુમાનથી, જ્ઞાનનાં સાધનો તરફના આદરથી, અન્ય જીવોને જ્ઞાનપ્રાપ્તિમાં સહાય કરવાથી જ્ઞાનનો ઉઘાડ થાય તેવું કર્મ બંધાય છે.
જૈન તત્વજ્ઞોએ જ્ઞાન અને દર્શન બંનેને જુદાં પાડયાં છે. જ્ઞાન એટલે વિશેષ બોધ અને દર્શન એટલે સામાન્ય બોધ. નિંદ્રાને પણ દર્શન સાથે સબંધ છે. દર્શનશક્તિને અવરોધનાર કર્મને દર્શનાવરણીય કર્મ કહે છે. જે દર્શન, દર્શની અને દર્શનનાં સાધનોની વિરાધના કરે છે તે દર્શનાવરણીય કર્મ બાંધે છે. તેનાથી દર્શનશક્તિનો વિકાસ ઓછો થાય.
જે કર્મ આપણને એકદમ સ્પર્શતું લાગે છે – તે કર્મ છે વેદનીય કર્મ. વેદન બે પ્રકારે ગણવામાં આવે છે. જેનું સંવદેન આપણને ગમે તે શાતા વેદનીય અને જેનું સંવેદન આપણને ન ગમે તે અશાતા વેદનીય કર્મ કહેવાય છે. વાસ્તવિકતામાં સંવેદન બે પ્રકારનાં છે. અનુકૂળ સંવેદન અને પ્રતિકૂળ સંવેદન . આપણી સમગ્ર પ્રવૃત્તિઓ અનુકૂળ સંવેદન માટેની સાધન-સામગ્રી મેળવવા માટેની હોય છે. પ્રતિકૂળ સંવેદન આપનાર વ્યક્તિ વિશેષ, વાતાવરણ કે એવી સામગ્રીથી આપણે હંમેશાં દૂર રહેવા જીવનભર પુરુષાર્થ કરીએ છીએ. પાંચેય ઇન્દ્રિયો અને મનને ગમે તે અનુકૂળ સંવેદન. ઇન્દ્રિયો અને મનને જે ન ગમે, તે પ્રતિકૂળ સંવેદન. અનુકૂળ સંવેદન શુભ કર્મનું પરિણામ છે. પ્રતિકૂળ સંવેદન અશુભ કર્મનું ફળ છે. સાનુકૂળ સંવેદનપ્રાપ્તિ માટેનો સોનેરી નિયમ એ છે કે અન્ય જીવોને શાંતિ અને સુખ આપો તો તમને તેવું મળશે. સુપાત્રે દાન, અનુકંપા દાન એ શાતા વેદનીય કર્મબંધનું કારણ છે, જે પરનિંદામાં રાચે છે, ખોટાં કર્યો કરીને, ખોટું બોલીને બીજાને પીડા આપે છે, કૃપણ છે, ધર્મથી વિમુખ છે અને અશાંતિ આપનાર અશાતા વેદનીય કર્મનો બંધ પડે છે. તેથી અન્યને દુઃખ થાય એવાં કર્મોથી દૂર રહેવું અને અન્યને સુખ થાય એ કર્મમાં પ્રવૃત્ત રહેવું. અનુકૂળ – રુચિકર સંવેદન આપનાર કર્મો છે : વડીલોની ભક્તિ-આદરમાન, ક્ષમાશીલ સ્વભાવ અને એવી પ્રવૃત્તિ, કરુણાસભર વ્યવહાર, અહિંસા, વ્રતોનું પાલન, સંયમનું પાલન, સંયમનું વહન, દાન અને ધર્માચરણ. જે માણસોએ પોતાના કષાયો ક્રોધ, અભિમાન, માયા-કપટ, લોભ-મોહ અને અન્ય નવ સહયોગી ભાવો ઉપર વિજય મેળવ્યો હોય છે કે સંયમ કેળવ્યો હોય છે તે મોટેભાગે સાનુકૂળ – રુચિકર સંવેદન થાય એવાં કર્મો બાંધે છે. ઉપર જણાવેલ આ ભાવોથી વિપરીત ભાવો અને પ્રવૃત્તિઓનું સેવન કરનાર વ્યક્તિ તેને પ્રતિકૂળ વેદન થાય એવાં જ કર્મો ખડકે છે. આ વાતોને ખ્યાલમાં રાખી આપણા આચાર-વિચાર ગોઠવીએ તો ભાવિની કેટલીય અશાંતિ અને પ્રતિકૂળ સંવેદનોથી બચી જઈએ. જો કે અહીં એ વાતનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે સાનુકૂળ વેદન-શાતાવેદનીય કર્મના ભોગવટા વખતે જે સાવધ નથી રહેતો અને છકી જાય છે તે જીતેલી બાજી હારી જાય છે કારણ કે રુચિકર સંવેદન એ છે તો સાંસારિક સુખ; જેનો ભોગવટો ઘણું ખરું માણસને પાપપ્રવૃત્તિમાં વધારે જોડે છે જે છેવટે જીવનના પતનનું કારણ બને છે.
હવે આપણે જે કર્મનો વિચાર કરવાનો છે તેને મોહનીય કર્મને નામે ઓળખવામાં આવે છે. તત્વવેત્તાઓએ તેને સૌથી વધારે ઘાતક કર્મ ગણ્યું છે કારણ કે જેનું મૂળથી જ વાંકુ તેનું પછી બધુંય વાંકુ. દારૂ પીધેલ વ્યક્તિને જેમ વસ્તુનું યથાર્થ ભાન થતું નથી; વળી, તેના હલન-ચલનમાં સંતુલન હોતું નથી, તેમ મોહનીય કર્મથી જકડાયેલ વ્યક્તિને જીવન વિષેનો સાચો ખ્યાલ આવતો નથી. જો ભૂલેચૂકે તેને યથાર્થ દર્શન થઈ જાય તો પણ તેનો આચાર યથાર્થ રહેતો નથી. જેણે પ્રગતિ કરવી છે, સાચું સુખ મેળવવું છે તેણે માણસને મત્ત-પ્રમત્ત બનાવનાર આ કર્મથી બચવું જોઈએ. આ કર્મના બે વિભાગો પાડવામાં આવે છે. દર્શન મોહનીય – જે કર્મ જીવની માન્યતા ઉપર અસર પાડનારું છે અને ચારિત્ર-મોહનીય-જે જીવના વર્તન-આચરણને અસર કરનાર છે. દર્શન મોહનીયના પ્રતાપે આત્માને ભ્રમ થાય છે. તે સત્યને અસત્ય તરીકે જુએ છે અને અસત્યને સત્ય ગણે છે. તેને બધું વિપરીત ભાસે છે. જયારે ચારિત્ર મોહનીય કર્મને કારણે માણસને જે સત્ય લાગ્યું હોય તે તે મુજબ તે આચરણ કરી શકતો નથી. આત્માના ગુણોનો સૌથી વધારે ઘાત કરનાર કર્મ ન બંધાય અથવા ઓછું બંધાય માટે જીવે સતત જાગૃતિ રાખવાની છે. આ કર્મકષાયોના એટલે ક્રોધ, અભિમાન, કપટ, લોભ-મોહ અને જેને સહાયક કષાયો એટલે કે નોકષાયો તરીકે ઓળખવામાં આવે છે તે હાસ્ય, રતિ (ગમો) અરતિ(અણગમો), ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસંક વેદ – આ બધાના સેવનથી બંધાય છે. જેટલો રસ રેડીને કષાયો અને સહાયક કષાયોનું સેવન કર્યું હોય એટલું આ કર્મ ગાઢ બંધાય. તીવ્ર કષાયોથી કર્મનો બંધ પણ સજ્જડ પડે એટલું જ નહિ પણ તેનો ભોગવટો પણ વધારે કરવો પડે. આ કર્મથી બચવા માટે માણસે કષાયોનો ત્યાગ કરવાનો છે અને જો તે સર્વથા ન થઈ શકે તો છેવટે તેની માત્રા અને તીવ્રતા ઘટાડતા જવાની છે. સતત વિષયોમાં લુબ્ધ રહેતા મનને વિષયોમાંથી પાછું વાળી વિષયોનો વૈરાગ્ય કેળવવાનો છે. આત્માના ગુણોનો અનુરાગ રાખવાનો છે. જે માણસો ઉન્માર્ગની પ્રરુપણા કરે છે, લોકોને અવળે માર્ગે ચઢાવે છે તે ગાઢ દર્શન મોહનીય કર્મ બાંધે છે. જે જ્ઞાન લોકોનું આત્મિક દ્રષ્ટિએ અહિત કરનાર છે એવા મિથ્યાજ્ઞાનને પોષવાથી, તેના વિકાસમાં ફાળો આપવાથી પણ આ કર્મ બંધાય છે. દેવમંદિરની-ધર્મસ્થાનોની સંપત્તિની ચોરી કરનાર, નાશ કરનાર પણ આ પ્રકારનું કર્મ બાંધે છે. ઇષ્ટ વસ્તુઓનો વિયોગ થતાં કે અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થતા જે માણસ કલ્પાંત કરે છે – ઝૂરે છે તે ચારિત્રમોહનીય કર્મ બાંધે છે. ચરિત્રનું પાલન કરનાર, ચારિત્રનું બહુમાન કરનાર અને તેને પોષનાર ચારિત્ર મોહનીય કર્મનું ખંડન કરે છે. આ મોહનીય કર્મના બંને પ્રકારો ઘણા સૂક્ષ્મ અને સહજ છે માટે તે તરફ ઘણાનું ધ્યાન જતું નથી અને ધ્યાન જાય તો પણ માણસો તેનું મહત્વ આંકતા નથી. પણ કર્મવ્યવસ્થામાં દુશ્મન દળના સેનાપતિ જેવું કર્મ છે. તેનાથી જે બચી જાય તેને જ સાચું સુખ અને શાંતિ મળે છે. આ કર્મથી જે બચી જાય છે તેનો આલોક અને પરલોક બંને સુધરી જાય છે અને પછી જીવ પ્રગતિનાં સોપાને ઝપાટાબંધ ચડવા માંડે છે. જો જાગ્રત હોઈએ, સાવધ હોઈએ તો આ ઘાતક અને માદક કર્મને નાથવાનું એટલું મુશ્કેલ પણ નથી. પણ પ્રશ્ન છે જાગરૂકતાનો અને અભ્યંતર પુરુષાર્થનો.
કર્મમાં બીજું એક મહત્વનું કર્મ છે જે આયુષ્ય કર્મના નામથી ઓળખવામાં આવે છે. આ કર્મના બંધથી નક્કી થાય છે કે હવે મૃત્યુ પછી જીવ કઈ ગતિમાં જશે અને ત્યારે કેટલું આયુષ્ય ભોગવશે ? સંસારમાં ચાર ગતિ ગણાય છે. મનુષ્ય, તિર્યચ એટલે પશુ-પક્ષી ઈત્યાદિની ગતિ, દેવગતિ અને નરકની ગતિ. દેવલોક ભોગભૂમિ છે જયારે નરક ઘોર દુઃખ ભોગવવાની જગ્યા છે. જે ગતિનું કર્મ બાંધ્યું હોય તે ગતિમાં જીવને બીજા ભવમાં જવું પડે છે. આમ આ કર્મ આપણા માટે ઘણું મહત્વનું બની રહે છે. આ એક જ કર્મ એવું કર્મ છે કે જીવનમાં એક જ વાર તેનો બંધ પડે. બીજા સાતે પ્રકારોનાં કર્મનો બંધ સતત પડતો રહે છે. જે લોકો ખૂબ લોભી અને પાપી હોય, અન્ય જીવોને ભયંકર દુઃખ આપતા હોય છે. ધન-સંપત્તિનો અતિપરિગ્રહ કરતા હોય છે, મહારાગી, મહાભોગી, મહાપાપી હોય છે તેનો નરકગામી બને છે. જે લોકો કુડકપટમાં રાચતા હોય અને તે રીતે અન્ય જીવોને છેતરતા હોય, છળ-પ્રપંચ કરતા હોય, અતિદંભી હોય, અતિસ્વાર્થી હોય, દગો-ફટકો કરતા હોય તે લોકો મૉટે ભાગે તિર્યચની યોનિમાં જાય છે અને તેને અનુરૂપ આયુષ્ય બાંધે છે. જે લોકો સરળ અને મૃદુ સ્વભાવના હોય, સંતોષી હોય, સંપત્તિની પાછળ દોડનારા ન હોય, પ્રામાણિકતાથી જીવનારા હોય, કોઈના દુઃખે દુઃખી થનારા હોય, દયાળુ હોય તેઓ મનુષ્ય ભવનું આયુષ્ય બાંધે છે. જે લોકો ધર્મિષ્ટ હોય, નીતિમત્તાવાળા હોય, સંયમિત જીવન જીવનારા હોય, વ્રત-જપ ઇત્યાદિ ધર્મપ્રક્રિયાઓમાં રત રહેનારા હોય, ભાવથી દેવ-ગુરુની ભક્તિ કરનારા હોય, સૌના સુખની ઈચ્છા રાખનારા હોય અને તે માટે પ્રવૃત્તિશીલ હોય, પરગજુ હોય તેઓ મૃત્યુ પછી મોટેભાગે દેવલોકમાં જાય છે.
મનુષ્ય સારું રૂપ, રંગ, સુસ્વર, દેહાકૃતિ, અંગોપાંગ, યશ, સૌભાગ્ય ઇત્યાદિ ઝંખે છે અને તે ન મળ્યાં હોય તો તેને જીવનમાં ઘણું સહન કરવું પડે છે. આ બધી વસ્તુઓ જન્મજાત મળે છે. તે એકવાર જેવી મળી પછી તેમાં ફેરફાર થઈ શકતો નથી. તેમાં સુધારો કરવાનું તો અશક્ય છે. પણ બગાડો થઈ શકે. હવે પછીના ભવમાં આ બધી પ્રકૃતિઓ આપણને મળે તેવી ઈચ્છા હોય તો આ કર્મની જાણકારી મેળવી યથાયોગ્ય પ્રવૃત્તિ આ ભવમાં કરી લેવાની હોય છે. આ કર્મને નામકર્મ તરીકે ઓળખવામાં આવે છે. તે મોટેભાગે દેહાકૃતિ, તેનો યશ-અપયશ, પ્રભાવ ઇત્યાદિને સર્જનારું હોય છે. જો બધું સારું મળે તો તેને શુભનામ કર્મ કહેવામાં આવે છે. જો આ બધું અણગમતું, ઊણું, હીણું કે ઊતરતું મળે તો તેને અશુભ નામકર્મ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અશુભ નામકર્મથી બચવું હોય તો આપણાથી કોઈપણ જીવનો ઘાત-ઉપઘાત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કોઈને પણ કુદરતી રીતે મળેલાં રૂપ-રંગ-ખોડ-ખાંપણ, કર્કશ અવાજ, દુર્ભાગ્ય ઈત્યાદિની ઠઠ્ઠા-મશ્કરી કરી તેવા નામે બોલાવી, તેની અવહેલના કરી તેને દુઃખ ન પહોંચાડવું જોઈએ. કોઈના અપયષમાં રાચવું ન જોઈએ. કોઈના સૌભાગ્યની ઈર્ષ્યા ન કરવી જોઈએ. સારા કુળમાં જન્મેલા હોવાને કારણે કદાચ આપણે અન્ય જીવોનો ઘાત-ઉપઘાત ખાસ કરતા ન પણ હોઈએ ; પણ અન્ય જીવોની ઠઠ્ઠા-મશ્કરી અને અવહેલના તો સામાન્ય રીતે કરી નાખીએ છીએ. આપણે જો જાગ્રત હોઈએ અને હૃદયના ભાવો કૂણા હોય તો સહેજમાં આપણે આ અશુભ નામકર્મમાંથી બચી જઈએ. તમે જોશો કે લોકો વિના કારણે વાત-વાતમાં અશુભ નામકર્મનાં પોટલાં બાંધે છે. આમ, તેનાથી બચવું સહેલું છે પણ લોકો સૌથી વધારે આ અશુભ નામકર્મનો ભોગ બની ભાવિ જન્મોમાં મળનાર શરીરનાં અંગો-ઉપાંગો, દેહાકૃતિ, યશ, સૌભાગ્ય ઇત્યાદિને બગાડી મૂકે છે. સરળ સ્વભાવવાળા, નિષ્કપટ, નિરાભિમાની, નમ્રતાવાળા સ્વાધ્યાયમાં એટલે આત્માનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં રત, આત્મોન્નતિના વિચારો કરનારા, તે પ્રમાણે આચાર પાળવા ઉત્સુક રહેનારા, નીતિમત્તાવાળું જીવન જીવનારા મોટે ભાગે શુભ નામકર્મ બાંધે છે. તેની સામે ગર્વિષ્ઠ, કપટી, નિષ્ઠુર અને ઘાતકી પરિણામવાળા જીવો અશુભ નામકર્મ બાંધે છે.
મનુષ્ય જન્મમાં જીવ જે કુળમાં અને ગોત્રમાં જન્મે છે તે પણ ખૂબ મહત્વનું બની રહે છે. કુળ એટલે સંસ્કારો અને સંજોગો જે જન્મની સાથે બાળકને મળી જાય છે અને બાળકના ભાવિ જીવન ઉપર તેનો ઘણો પ્રભાવ પડે છે. કોઈને પણ નીચ કુળનો કહીને ધુત્કારવાથી, તેને નીચ ગણી તેની હાડછેડ કરવાથી, કોઈને કુળને કારણે અપમાનિત કરવાથી, પોતાના કુળનો, જ્ઞાતિનો, ગોત્રનો ગર્વ કરવાથી માણસ નીચ ગોત્રનું કર્મ બાંધે છે. નીચ ગોત્રનો બંધ પડે તો જીવને બીજા ભવોમાં હલકા કુળોમાં અને નીચી ગણાતી જાતિઓમાં જન્મ મળે છે અને જીવનભર તે તેને પરિણામે સહન કરે છે. વિનય, નમ્રતા, નિરાભિમાન એવી વૃત્તિઓવાળો જીવ ઉચ્ચ ગોત્રમાં જન્મે છે. કુળનો મદ કરનાર, અન્ય લોકોની અવહેલના કરનાર, પરનિંદામાં રચનાર નીચાગોત્રનું કર્મ બાંધે છે. ઉચ્ચ કે નીચ ગોત્ર એટલે કુળનો પ્રભાવ તો જીવને જન્મતાની સાથે જ વર્તાવા માંડે છે. જ્ઞાનનો પ્રસાર કરનાર, દેવ-ગુરુનું બહુમાન કરનાર પણ ઉચ્ચગોત્રનો અધિકારી બને છે.
છેલ્લે આપણે સૌથી વધારે જેની પીડા લાગે છે તે કર્મ છે અંતરાય કર્મ. વસ્તુ મળે નહિ અને મળે તો ભોગવાય નહિ તે લાભાંતરાય અને ભોગાંતરાય. આપવાની ઈચ્છા હોય પણ અપાય નહિ તે દાનાંતરાય. વસ્તુની જાણકારી હોય પણ ઉત્સાહનો અભાવ રહે અને માણસ ઉદ્યમ જ ન કરે તેને વીર્યાતરાય કહે છે. (અહીં વીર્ય શબ્દ શારીરિક વીર્યના ભવમાં નથી વપરાતો.) આપણી માલિકીની વસ્તુ હોય, બંગલા, વાડી, વજીફા વાહન ઇત્યાદિ સામે પડયાં હોય પણ વાપરવાના હોશકોશ ન હોય તેને ઉપભોગાંતરાય કહે છે. પળેપળે આપણા જીવનમાં આવા અંતરાયો ઉપસ્થિત થાય છે. કેટલાક અંતરાયો તો થોડાક પુરુષાર્થથી ખસી જનારા હોય છે પણ કેટલાક તો ખસતા જ નથી અને આપણને પરેશાન કરી મૂકે છે. આવા અંતરાયોથી આપણે ખૂબ પરેશાન થઈ જઈએ છીએ. લોકોને દોષ દેતા ફરીએ છીએ પણ મૂળ વાત એ છે કે ગત જન્મોમાં આપણે કેટલાય જીવોના જીવનમાં અંતરાયો પાડયા છે તેનું પરિણામ આપણે ભોગવીએ છીએ. કોઈને સુખશાંતિ ન લેવા દઈએ, સુખે ખાવા-પીવા ન દઈએ, કોઈને કોઈ કંઈ આપતું હોય એમાં આડી જીભ નાખીને અટકાવીએ, કોઈના અંતરાયમાં રાચીએ પછી આપણા જીવનમાં અંતરાયો પડે તેમાં નવાઈ શી ? ભર્યાં ભાણાં ખવાય નહિ, સુંદર પત્ની ભોગવાય નહિ, દોમ-દોમ સાહેબી ઘરે હોય પણ પથારીમાં પડીને રાબ પીવાની હોય – આ બધા પ્રકારના અંતરાયો માટે વાસ્તવિકતામાં આપણે જવાબદાર છીએ. અંતરાયમાં તો સીધું-સાદું ગણિત છે અને હિસાબ ચોખ્ખો છે. જે અંતરાય તમને ખપતો નથી, તે અન્યના જીવનમાં ન પાડો તો આગળના ભવોમાં તમને અંતરાય નહિ નડે. આ કર્મથી બચવાનો સચોટ માર્ગ છે કે આપણને જે ન ગમે તે અન્યને માટે ન કરવું, ન કરાવવું અને કોઈ કરતુ હોય તેને ટેકો ન આપવો કે તેની પ્રશંસા ન કરવી, સૂક્ષ્મ રીતે જોઈએ તો હિંસા, જૂઠ, ચોરી, કપટ આદિનાં કાર્યો અન્યના જીવનમાં ઘણાં અંતરાયો પાડે છે માટે એવા ભાવોથી સજાગ રહેવું. એટલું જ નહિ પણ તેના ભાવો રાખનાર અંતરાય કર્મથી બચી જાય છે એટલું જ નહિ પણ તેના હવે પછીના ભવોમાં તેને અંતરાયો પડતા નથી. જો ઝીણવટથી વિચારીએ તો ઘણા અંતરાયો વિષે આપણે સભાન થઈ જઈએ. નોકર-ચાકર કે આશ્રિત પશુ-પક્ષીની ઊંઘમાં વિક્ષેપ પાડવો, તેને કસમયે ઉઠાડવો એ પણ અંતરાય છે. તેઓ મોડા ખાવા બેઠા હોય ત્યારે વચ્ચે ઉઠાડવા તે પણ ભોજનનો અંતરાય છે. મોંઢામાં ઘાસનો કોળિયો લેતા પશુને ડફણાં મારી કોળિયો ન લેવા દેવો કે લીધેલો કોળિયો ગળે ન ઊતરવા દેવો એ પણ અંતરાય છે. આપણા હાથ નીચે કામ કરતા કર્મચારીને મોડો છોડવો, તેને ખરા કામ વખતે છુટ્ટી ન આપવી આવા તો અસંખ્ય અંતરાયો આપણે હાલતાં ચાલતાં અન્યના જીવનમાં પાડીએ છીએ. જો આપણે અંતરાય કર્મની ગંભીરતા સમજ્યા હોઈએ તો ભાવિનાં ઘણાં અનિષ્ટોમાંથી સરળતાથી આપણે ઊગરી જઈએ.
આ આઠેય પ્રકારનાં કર્મોમાં જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોને ઘાતી કહેવામાં આવે છે કારણ કે તે આત્માના ગુણોનો ઘાત કરે છે. મનુષ્ય જન્મ પામીને કોઈ પુરુષાર્થ કરવા જેવો હોય તો તે આ કર્મો ન બંધાય અને બંધાય તો તીવ્ર રસથી ન બંધાય તે માટે કરવાનો છે. એક વખત આ ચાર મહાશત્રુઓનો ઘાત થાય કે આ કર્મો નબળાં પડે તો બાકીનાં ચાર કર્મોને દબાવવાનું એટલું મુશ્કેલ નથી. માણસે ખરેખર ચેતતા રહેવાનું છે આ ઘાતી કર્મોથી જેને લીધે માણસ ભવભ્રમણામાં અટવાયા કરે છે અને આલોક તેમજ પરલોક બંનેને બગાડીને ઉત્તરોત્તર પતનને માર્ગે જતો જાય છે.
કર્મનો બંધ પ્રવૃત્તિ કરવાથી, પ્રવૃત્તિ કરાવવાથી કે પ્રવૃત્તિને ઉત્તેજન આપવાથી એમ ત્રણેય રીતે પડે છે.
જે મહત્વની વાત યાદ રાખવા જેવી છે તે એ છે કે કર્મબંધ સમયે જેટલો રસ વધારે અને તીવ્ર એટલું જ એ કર્મ તીવ્ર અને ગાઢ. જો કર્મબંધ સમયે રસ ઓછો તો કર્મનો બંધ ઢીલો અને શિથિલ. શિથિલ કર્મબંધને સરળતાથી તોડાય; ગાઢ કર્મબંધને તોડવાનું મુશ્કેલ હોય છે અને તે માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે. તેથી પુણ્યકાર્યમાં ખૂબ રસ રેડો અને પાપકર્મમાં રસ ઓછો રાખો. કર્મબંધ સમયે જે જાગતો નથી તેની સ્થિતિ લૂંટાઈ ગયા પછી જાગીને બૂમો પાડનારા જેવી થાય છે. કર્મનો બંધ પડી ચૂક્યો પછી તો તે કર્મ કોઈ પણ પ્રકારે ભોગવે જ છૂટકો. હસીને ભોગવો કે રડીને ભોગવો. ભોગવ્યા વિના કર્મને ખંખેરી નાખવાનો માર્ગ છે ખરો પણ તેને તો અપવાદ માર્ગ ગણવો સારો. એ માર્ગ વીરલાઓનો છે ; તેની આશામાં કર્મબંધ સમયે બેપરવાઈ ન રખાય. કર્મસત્તા કોઈને છોડતી નથી અને તેની પાસે કોઈની લાગવગ ચાલતી નથી. કર્મ કોઈની શેહ-શરમ રાખતું નથી. આપણે અહીં વાત કરી છે કર્મના બંધ સમયની પણ જે કર્મો બંધાઈ ચૂક્યાં છે તેનું શું કરવું તે માટેનો વિચાર આગળ ઉપર કરીશું ; પણ તે પહેલાં કર્મબંધ અંગેની બીજી મહત્વની વાત વિચારી લેવી પડશે.