
અનુબંધ
આપણે કર્મના બંધની વાત કરી પણ જૈન તત્વજ્ઞોએ અનુબંધની વાત કરીને તો કમાલ કરી નાખી છે. બીજા કોઈના કર્મસિદ્ધાંતમાં અનુબંધની વાત જોવા મળશે નહિ અને કદાચ કોઈએ પરોક્ષ રીતે તેનો ઉલ્લેખ કર્યો હશે તો તે ખૂબ સ્થૂળ સ્વરૂપે હશે. કર્મની વ્યવસ્થામાં કર્મના બંધનું તો મહત્વ છે પણ તેથીય વધારે તેની સાથે પડતા અનુબંધનું મહત્વ વધારે છે. કોઈપણ કર્મ કર્યા પછી તેના અંગે આપણે જે વિચારો કરીએ છીએ, જે ભાવો સેવીએ છીએ તેનાથી કર્મનો અનુબંધ પડે છે. બંદૂક ફોડયા પછી પાછળ તેનો ધક્કો લાગે છે તેમ કર્મ કર્યા પછી તેનો પણ આપણને ધક્કો લાગે છે જેને પરિણામે આપણે કરેલા કર્મનો પસ્તાવો કરીએ અને દુઃખ પણ થાય. કોઈ વખતે કર્મ કર્યા પછી આનંદ થાય, તૃપ્તિ થાય અને આપણે તેની પ્રશંસા કરતા રહી જઈએ. કર્મ કર્યા પછી આમ આપણામાં જે ભાવો જાગે છે તેનાથી કરેલા કર્મ ઉપર બીજો બંધ પડે છે જેને અનુબંધ કહેવામાં આવે છે. આપણી ક્રિયા કે કર્મ કોરું નથી હોતું. તેની પાછળ આપણા સારા કે નરસા ભાવની ભીનાશ ભળેલી જ હોય છે જે અનુબંધનું કારણ છે.
આપણે કોઈ પ્રવૃત્તિ કરી એટલે કર્મનો બંધ તો પડવાનો જ અને એ કર્મ ઉદયમાં આવે ત્યારે તેની અસર પણ વર્તવાની. જો ધર્મની, પરમાર્થની, પરોપકારની ઇત્યાદિ સારી પ્રવૃત્તિ કરી હશે તો પુણ્યકર્મનો બંધ પડવાનો અને જો હિંસાની, છલની, કપટની, ચોરીની કે એવી કોઈ પ્રવૃત્તિ કરી હશે તો પાપનો કર્મબંધ પડવાનો. પુણ્યકર્મનો બંધ પડયો હશે તો તેના ઉદયકાળે સારી સાધન-સામગ્રી મળવાની અને બધી વાતે અનુકૂળતા રહેવાની અને પાપકર્મનો બંધ પડયો હશે તો તેના ઉદયકાળે બધા સંજોગો પ્રતિકૂળ રહેવાના. પણ પુણ્ય કર્મ કે પાપકર્મના ઉદય વખતે જે અનુકૂળતા કે પ્રતિકૂળતા રહેશે તે વખતે જીવનું વલણ કેવું રહેશે, જીવ તેનો શું પ્રતિભાવ આપશે ? કેવી પ્રતિક્રિયા કરશે એ વાત મોટે ભાગે અનુબંધ નક્કી કરી આપે છે.
કર્મવાદમાં અનુબંધ બહુ જ મહત્વનો છે કારણ કે તે પરંપરા સર્જી શકે છે કે તોડી શકે છે. પુણ્ય ભોગવતી વખતે જો માણસ સાવધ ન હોય તો એટલો છકી જાય અને અભિમાનમાં આવી પ્રવૃત્તિઓ કરતો રહે કે તેમાંથી પાપની પરંપરા સર્જાય. પાપકર્મ ભોગવતી વખતે માણસ બધી પ્રતિકૂળતાઓની વચ્ચે સમતા ધારણ કરે, ધર્મની પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહે, પોતાના ભાવોને ન બગાડે તો તે પુણ્યની પરંપરા સર્જે. અનુબંધથી પરંપરા ઊભી થાય છે. તેથી કેટલાક દાર્શનિકો તો કર્મના બંધ કરતાં અનુબંધને વધારે મહત્વનો ગણે છે. કર્મ તો તેનું ફળ એકવાર દેખાડીને વિફળ થઈ જાય પણ અનુબંધથી પરંપરા ચાલે તે જો સારી હોય તો જીવને ઊંચે અને ઊંચે લઈ જાય અને ખરાબ હોય તો જીવનું ઉત્તરોત્તર પતન થતું જાય. કદાચ કર્મ તો થઈ ગયું કે કરવું પડયું પણ અનુબંધ તો આપણા હાથમાં છે. અનુબંધ વખતે ચેતી જઈએ તો મહાદુઃખમાંથી ઉગારો થઈ જાય.
આ અનુબંધની વાત નજરમાં રાખી તેનું ચાર પ્રકારે વિભાગીકરણ કરવામાં આવ્યું છે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ.
પુણ્ય ભોગવતી વખતે જે સાનુકૂળ સામગ્રી મળી હોય તેનો ભોગવટો કરતી વખતે માણસ અન્ય જીવોને દુઃખ આપતો રહે, અન્ય જીવોના ઘાત કરે, ધર્મથી વિમુખ થઈ જાય અને ફક્ત સ્વાર્થમાં જ રચ્યોપચ્યો રહે તો અવશ્ય માનવું કે આ પાપાનુબંધી પુણ્ય. પુણ્ય ભોગવાય છે અને પાપ બંધાય છે. અહીં પરંપરા પાપની ચાલે છે.
પુણ્યના ભોગવતા સમયે મળેલી તકોનો માણસ સદુપયોગ કરી લે, દેવ-ગુરુ-ધર્મ તેને ગમે, તેમના વચનમાં તેને શ્રદ્ધા રહે અને પરોપકારનાં – પરમાર્થનાં કાર્યો માણસ કરતો દેખાય તો સમજવું કે તે પુણ્યાનુબંધી પુણ્ય ભોગવે છે. તે પુણ્ય ભોગવે છે અને વળી પાછું પુણ્યનું જ ભાતું બાંધે છે.
પાપકર્મોનો ભોગવટો હોય એટલે સંજોગો વિપરીત હોય, ગરીબાઈ હોય, અપમાન થતાં હોય, અપકીર્તિનાં યોગો હોય, સગાંઓનો સાથ ન હોય આવું ઘણું બધું ભોગવવું પડતું હોય પણ તે સમયે જીવ સમતા ધારણ કરી પાપકર્મોના ઉદય ભોગવી લેતો હોય પણ ધર્મથી-સદાચારથી વિચલિત ન થતો હોય, સંકટ વેઠીને પણ સદ્દકાર્યમાં પ્રવૃત્ત રહેતો હોય, દુરાચારોથી દૂર રહેતો હોય તો અવશ્ય માની શકાય કે તે ભોગવે છે પાપ પણ તેની આવતીકાલ ઉજ્જવળ છે. તે પાપ ભોગવતો જાય છે પણ બાંધે છે પુણ્ય ; તેથી તે પાપના ચક્કરમાંથી છૂટી જવાનો અને પુણ્યશાળીઓની પંગતમાં બેસી જવાનો.
છેલ્લે રહે છે પાપાનુબંધી પાપ ; જે આપણે ચારેય બાજુ જોઈએ છીએ. લાખો-કરોડો લોકો ગરીબાઈમાં રિબાય છે, ખાવાનાં-પીવાનાં-રહેવાનાં ઠેકાણાં નથી. વળી ઘરમાં પ્રવૃત્તિઓ પણ પાપની એટલે કે ચોરી, લબાડી ઈત્યાદિની જ હોય છે. આજીવિકા પણ પાપપ્રવૃત્તિથી જ ચાલે છે. આ લોકો ભોગવે છે પાપ અને બાંધે છે પણ પાપ. પાપની પરંપરા તેમને ભરખી જાય છે. તેમને ઊગરવાનો કોઈ આરો નથી.
આ ચારેય અનુબંધો વિષે આપણે જે ચર્ચા કરી છે તે તેને આધીન થવા માટે નહિ. અનુબંધનું વિજ્ઞાન સમજીને હવે પછી પાપનો અનુબંધ તો ન જ પડે એટલા તો સજાગ થઈ જવું જોઈએ. ભલે કદાચ પગ પાપમાં હોય પણ મન-ભાવ તો પુણ્યનો-શુભનો જ હૈયામાં રહે. કર્મવાદની જાણકારીનો આટલો પણ લાભ ન લઈએ તો આપણું બધું જ્ઞાન ફોગટ છે. પશુ-પક્ષી વગેરેની વાત બાજુએ રાખીએ કારણ કે તેમને મન નથી, બુદ્ધિ નથી, પણ આપણે તો મનુષ્યભવ પામીને, મન, બુદ્ધિ ઇત્યાદિ મેળવી શક્યા છીએ તો ગમે તેવા પાપકર્મોનો ઉદય હોય, ગમે તેવું દુઃખ હોય પણ મનના ભાવોને તો નહિ જ બગાડીએ એવો કૃત નિશ્ચય કરીને બેસી જઈએ તો આપણો પાપનો અનુબંધ અવશ્ય તૂટવાનો. શારીરિક, માનસિક અને ભાવાત્મક ત્રણેય પ્રકારે પુરુષાર્થ કરવાની તક મનુષ્ય-ભવમાં આપણા હાથમાં છે. તે તક સરી જાય તે પહેલાં જાગી જઈએ.
આ છે અનુબંધની મહત્તા. કર્મ તો નિત્ય પ્રત્યેક પળે બંધાતા જ રહે છે પણ આપણે એટલું કરીએ કે તેનો અનુબંધ તો પુણ્યનો જ પડે. આ કામ સરળ નથી ; પણ જીવ જો જાગી જાય તો તેના માટે સંસારમાં કંઈ અશક્ય નથી. કર્મના બંધનો આધાર મોટેભાગે મન-વચન અને કાયાના યોગ અને પ્રવૃત્તિ ઉપર રહે છે જયારે અનુબંધનો આધાર મનુષ્યના ભાવજગત સાથે છે. આ ભાવજગત જીવની રુચિ અને અરુચિનું જગત છે. જીવના સંસ્કારોનું જગત છે. જો ભાવ સારો હોય તો પુણ્યનો અનુબંધ પડે. પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય કે સારી દેખાતી હોય પણ ભાવ અશુભ હોય તો પાપનો જ અનુબંધ પડે. જે સમકિતી હોય તેને નિયમા પુણ્યનો જ અનુબંધ પડે.
સંજોગોવશાત પાપની-અધર્મની કે અનિષ્ટ પ્રવૃત્તિ કરવી પડે પણ તે કરતી વખતે જીવના મનમાં તેનો ડંખ રહે, પસ્તાવો રહે, હૃદય કકળી ઊઠતું હોય તો કર્મનો બંધ પાપનો પડવા છતાંય અનુબંધ પુણ્યનો પડવાનો. બીજી બાજુ ગમે તેવી સારી પ્રવૃત્તિ કરતા હોઈએ કે લોકોને એમ લાગતું હોય, સંસારમાં એની પ્રશંસા થતી હોય પણ અંતઃકરણના ભાવ અશુભ કે અશુદ્ધ હોય તો છેવટે અનુબંધ તો પાપનો જ પડીને રહેવાનો. જગત આખાને છેતરી શકાય પણ કર્મસત્તાને કોઈ છેતરી શકતું નથી. અનુબંધને સંબંધ ભાવજગત સાથે છે અને અંતરના ભાવો માપવા માટે કોઈ થરમૉમિટર કે બેરોમિટર શોધાયું નથી. અંતરના ભાવો તો આપણે જ જાણીએ. આપણને તો અવશ્ય ખબર હોય છે કે આપણે ક્યાં ઊભા છીએ ! અંદરથી શુભ ભાવમાં રમીએ છીએ કે અશુભ ભાવમાં ? જેનું દિલ કરુણા, પરોપકાર, અહિંસા, સત્ય, પ્રામાણિકતા, પરમાર્થ ઇત્યાદિ ભાવોથી ભરાયેલું હોય તેનો કર્મનો બંધ ગમે તે પડે પણ અનુબંધ પુણ્યનો જ હોય. એમાંય જો ભાવો શુદ્ધ કે વિશુદ્ધ હોય તો અનુબંધ એટલો શક્તિશાળી પડે કે જીવને ઝપાટાબંધ પરમ સુખ અને પરમ ઐશ્ચર્યમાં પહોંચાડીને જ વિરમે. આ છે અનુબંધનાં રહસ્યો જેના વિષે અન્ય કર્મ-સિદ્ધાંતો આટલા ઊંડે ઊતર્યા નથી અને આ વિષયમાં મોટે ભાગે તે મૌન સેવે છે.
જૈન દર્શનમાં સમ્યગ દર્શનનું જે મહત્વ છે તેનાં અનેક કારણો છે પણ એમાં એક પ્રબળ કારણ છે પુણ્યનો અનુબંધ. સમ્યગ દર્શન જેને પ્રાપ્ત થયું હોય તેને કદાચ પાપનો બંધ હોય પણ અનુબંધ તો પુણ્યનો. આમ, તેની પરંપરા પુણ્યની જે શુભમાં રાખીને છેવટે શુદ્ધમાં લઈ જઈ મુક્તિપથ ઉપર છોડી દે.
આમ, કર્મના બંધ અને અનુબંધ વિષે જો આપણી જાણકારી હોય તો આપણે સાવધ થઈ જઈએ અને આપણે આપણી પ્રગતિનો માર્ગ ચાતરી લઈ શકીએ. આપણી પ્રગતિ, ઉન્નતિ આપણા જ હાથમાં છે પણ તે માટે આપણે પોતે પુરુષાર્થ કરવાનો છે. જો કોઈ માર્ગ બતાવનાર ભગવાનના પગ પકડીને બેસી જાય અને જો તે ચાલે જ નહિ તો તે બચી ન શકે. ભગવાને બતાવેલા માર્ગે ચાલવાનું છે આપણે. બાકી ભગવાન તો દયાળુ છે. તેના હૃદયમાં સૌ જીવો માટે કરુણા ભરેલી છે. સૌ કોઈ આ ભવભ્રમણામાંથી બચી જાય, ઊગરી જાય અને શાશ્ચવત સુખને પામે તે માટે તો ભગવાને માર્ગ બતાવ્યો. એટલું જ નહિ પણ અઢી હજાર વર્ષ પહેલાં આપણી સમક્ષ તેના ઉપર ચાલી બતાવ્યું ; છતાંય આપણે બેસી જ રહીએ તો તેમાં ભગવાન પણ શું કરે ?