
પૃથ્વીના પટ પર અન્ય ક્યાંય ન હોય એટલા બધા સ્વાધ્યાય, સત્સંગ, આશ્રમ-પ્રવચનો, અઠવાડિક વેદાંત કે ગીતા વર્ગો આપણા મલકમાં હશે, છતાં રોજબરોજના અતિ સામાન્ય કહી શકાય એવા વર્તન વ્યવહારમાં તમને વિશ્વનીયતાનો ભયંકર દુષ્કાળ જોવા મળે.
આવો વિરોધાભાસ શા માટે ?
સીધું સાદું કારણ એ છે કે આંતરિક સ્વભાવની ઉન્નતિ, વ્યક્તિત્વનું રૂપાંતર, અધ્યાત્મ, ભક્તિ, ધ્યાન વગેરે સમૂહમાં સાધવાના વિષયો જ નથી. એ કોચિંગ ક્લાસના વિષયો જ નથી.
એ વિષયો “શીખવા” કે “શીખવવા” ના જ ન હોવાથી, એ શીખવવાનું શરુ કરનારા જ પહેલે પગથિયે ભૂલ કરે છે.
તમે “થેંક યુ” કે “સોરી” બોલતા શીખવી શકો, પણ કૃતજ્ઞતાની કે પસ્તાવાની લાગણી શીખવી શકતા નથી. તમે શ્રીમદ્દ ભાગવતમાંથી સુપ્રસિદ્ધ ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોત પર ચોટદાર પ્રવચન આપી શકો, પણ ગજેન્દ્રને જે મુક્તિની ઝંખના પેદા થઈ હતી તે શ્રોતાઓમાં યાંત્રિક રીતે પેદા કરી શકતા નથી.
પરિણામે કયો વર્ગ આવા આશ્રમો, ત્યાં થતાં બીબાંઢાળ પ્રવચનો, કહેવાતા વેદાંત સત્સંગોમાં જતો હોય છે ? એની ખબર નથી હોતી, એના અણજાણ ખાલીપાથી પીડાતા લોકો મોટે ભાગે અફીણની કે કશાંક પલાયનની શોધમાં આવી પહોંચે છે અને શું પ્રાપ્ત કરીને બહાર નીકળે છે ? કોઈક લેબલ બ્રાન્ડ અથવા તો તમે અન્ય કરતાં વધારે ‘આધ્યાત્મિક’ બની ગયા છીએ એવી ‘અસાધ્ય’ ભ્રમણા ! તમે આવાં અસાધ્ય વેદાંતનો ભોગ બનેલા નમૂનાઓને પનારે પડયા છો ? વેદાંતના ભારેખમ શબ્દો, ચહેરા પર અને રોજબરોજની વાતોમાં વિશ્વની ક્ષણિકતા કે આત્મા-પરમાત્મા-જીવ-મનની ભારે ઊંચી વાતો અને સાથે સહઅસ્તિત્વ ધરાવતી પ્રદર્શન, ભોગની તમામ દુન્યવી લાલસાઓ !
એક મિત્ર પોતાના “આધ્યાત્મિક” (!) કોચિંગ ક્લાસ વિષે પોરસાઈને વાત કરી રહ્યા હતા. “અમારે ત્યાં ફલાણો તત્વ ગ્રંથ અમુક સુધી વાંચવાનો હોય. સમૂહમાં બધા મૌન વાચન કરતા હોય, ને અમારા ગુરુજીના સુપરવાઈઝર ચોકી કરતા હોય કે કોઈ વાંચતા વાંચતા ઊંઘી તો નથી ગયું ને ?” આ ભાઈ જે રીતે પોરસાઈને વાત કરતા હતા તે જોઈને એમનું અફીણ – “તત્વગ્રંથ”માં ખુલ્લી આંખ રાખનાર ચેલો મનથી જલેબી-ગાંઠિયા જોઈ નથી રહ્યો એ જાણવાની ચાવી પેલા સુપરવાઈઝર પાસે હશે ખરી ?”
અધ્યાત્મની યાત્રા શરુ થાય છે : જાગૃતિથી, અને જાગૃતિ આંતરિક ઘટના છે. મોટા ભાગના લગભગ સાડા નવ્વાણુ ટકા લોકોને જાગૃતિ ગમતી નથી હોતી. આ જાગૃતિ બાહ્ય માહિતીથી હરગીઝ આવતી નથી. બાહ્ય માહિતીની પહોંચ વ્યક્તિત્વના માત્ર ઉપરના સ્તર સુધી હોય છે. દુનિયાના કોઈપણ તત્વગ્રંથની વાત તમને તો જ સ્પર્શે જો એ વાત તમારાં પોતાનાં હૈયામાંથી પ્રગટી હોય તો ! એટલે જ તો આ દુનિયાના બહુમતી ક્ષુલ્લક જીવોને ક્ષુલ્લક જણને સાંભળવા ગમતા હોય છે ! અખાએ જે ગુરુ – ચેલાના સંબંધની વાત કરી છે એવાઓનો ફુગાવો કરોડોની સંખ્યામાં હોય છે, ને જિસસ કે મહાવીર સાથે દસ-બાર જણા હોય છે…