Spread the love

આપણે બેંકમાં ખાતું ધરાવતા હોઈએ છીએ ત્યારે બેંક આપણને ખાતાની પાસબુક આપે છે. આ પાસબુકમાં આપણા વહીવટ જમા ઉધાર તથા જમા રાશીની વિગતો હોય છે. જીવનની પાસબુકનું પણ કંઈક આવું જ છે. આપણા જીવનમાં પણ આપણે આપણા દોષ, રોષ, ગુસ્સો, લોભ કે મોહને બાદ કરવા જોઈએ અને આપણા સંસ્કાર, શીલ, ઉદારતા, સાદગી, વાત્સલ્ય તથા મનોનિગ્રહનો ઉમેરો કરવો જોઈએ તો જયારે જીવન નિઃશેષ કે નામશેષ થાય ત્યારે શેષમાં કીર્તિ, ખ્યાતિ, માન-સન્માન રહે.

આ પાસબુક જેવું જ જીવનની કિતાબનું પણ છે. જીવનનાં લેખાં-જોખાં તથા સત્સંગ રૂપી બચત તથા માન રૂપી શેષ આપણને કામ આવે છે. સંસ્કારોની બચત હશે તો જીવનમાં પ્રેમનો ગુણાકાર અને કરુણાનો સરવાળો થતો રહેશે તે સત્ય છે.

બેંકના એટીએમમાં ચોવીસ ક્લાકમાંથી ગમે ત્યારે પાસબુકમાં એન્ટ્રી પાડવા જઈ શકાય છે. માંડીએ તો કેટલા કલાક નામસ્મરણ, જપ કે પૂજામાં અને સત્સંગમાં વીતાવીએ છીએ ? ૩૬૫ દિવસમાંથી ગમે ત્યારે વડોરે ગોવાળિયો આવી જવાનો છે. માટે અત્યારથી જ આપણે આપણી મૂડી વધારવાના પ્રયાસો કરીશું તો મુક્તિનું વ્યાજ જરૂર મળશે. ઈશ્વર ભક્તિની મુડી વધારીશું તો જીવન ધન્ય થઈ શકાશે. ભક્તિની શક્તિ જ મુક્તિના દ્વાર ખોલી શકે છે.

બેંકની પાસબુક ખોવાઈ જાય ફાટી જાય કે ચોરાઈ જાય તો બેંકમાં અરજી કર્યાથી નવી કે ડુપ્લીકેટ મળી શકે છે. પરંતુ જો જીવનની પાસબુક ખોવાય જાય તો બધું વ્યર્થ છે. જીવનની પાસબુક માત્ર નામ સ્મરણમાં જ ખોવાવી જોઈએ કે નામ સ્મરણમાં રત રહેવું જોઈએ. જીવન નિઃશેષ થાય પછી જ નવજીવન મળે છે. જીવનમાં કેટલું કમાણા ? તેનો સરવાળો માંડીએ તો ખબર પડે કે આપણે નફામાં છીએ કે નુકશાનમાં ?

બેંકની પાસબુકમાં નામ, સરનામું, ખાતા નંબર આપેલા હોય છે. આપણે આપણા જીવનમાં નામ રોશન થાય તે માટે શું કરીએ છીએ ? આપણું સરનામું આપણાં જીવન સુધી જ રહે છે. બેંક પાસબુકમાં હિસાબની વિગતો જોવા મળે છે. પરંતુ આપણા જીવનનો હિસાબ શું કહે છે ? તે વિચારતા નથી. અત્યાર સુધી શું કર્યું ? કેવું કર્યું ? કોના માટે કર્યું ? તે જાણવાની પણ ખાસ જરૂર છે તેવું નથી લાગતું ? જીવનના વ્યવહારો તથા વહીવટ સંતોષકારક હશે તો ઉપરવાળાનાં ઓડિટમાં કોઈ કોમેન્ટ નહીં આવે.

બેંક પાસબુકમાં જો કોઈ ભૂલ દેખાય તો તરત બેંકનું ધ્યાન દોરીએ છીએ. પણ આપણી જીવનરૂપી પાસબુકમાં આપણને જ આપણા દોષ કે ભુલ દેખાતી નથી હોતી અને તે સુધારવાના પ્રયાસો પણ આપણે કરતા નથી. જીવનની ભુલ માટે અન્યને દોષિત ઠરાવીયે છીએ. જીવનની ભૂલો સુધારવામાં આપણને જ ફાયદો છે. ઉપર રહેલા ચિત્રગુપ્તના ચોપડામાં આપણા જીવનના હિસાબો અંકિત થયા હશે જે ચિત્રગુપ્તને આપણા સ્વર્ગ-નર્કનો નિર્ણય લેવામાં મદદરૂપ થશે. આપણા સદ્દગુણ, શીલ, સદ્દવૃત્તિ, સત્સંગ, સ્વભાવ, સદ્દવાંચન થકી જ આપણા જીવનને ઉર્ધ્વગતિ મળે છે.  જીવનના ચોપડા ચોખ્ખા હશે તો સદ્દગતિનો માર્ગ મોકળો થશે. આવો આપણે આપણાં અમુલ્ય જીવનનું પાકું સરવૈયું બનાવીએ જેથી જીવન સફળ થઈ જાય… અસ્તુ…