Spread the love

પૃથ્વીલોકને પાવન કરતા ભગવાન સદેહે વિચરી રહ્યા હતા. સાથે તેમના પટ્ટશિષ્ય ઇન્દ્રભૂતિ અને અન્ય મુનિઓ હતા. સંજોગોની અનુકૂળતા જોઈને મૃગાવતી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સાધુગણે આશ્રય કર્યો. મૃગાવતી નગરીમાં ધર્મની ધારા વહેવા લાગી અને સૌ પ્રજાજનો તેમાં સ્નાન કરી પાવન થઈ રહ્યા હતા.

સવાર-સાંજ ઇન્દ્રભૂતિ ગોચરી માટે નીકળતા હતા અને નિર્દોષ આહાર-પાણીનો જ્યાં જોગ હોય ત્યાંથી આવશ્યક ચીજવસ્તુઓ સ્વીકારતા હતા. માધુકરી એકત્રિત કરીને ઇન્દ્રભૂતિ નગરીમાંથી પાછા ફરી રહ્યા હતા ત્યાં તો તેમણે એક અતિ વૃદ્ધ અને અંધ કોઢિયાને જોયો. ડગુમગુ ડગુમગુ થતો તે ચાલતો હતો. હાથમાં ભીખની ખાલી હાંડલી હતી. રોગગ્રસ્ત શરીરને ઢાંકતું વસ્ત્ર પણ જીર્ણ-શીર્ણ થઈ ગયેલું હતું. મુખ અને નાકમાંથી કફનો સ્ત્રાવ થતો હતો અને તેને લીધે મોં ઉપર માખીઓ બણબણતી હતી. ભિક્ષુકની આ વેદનાપૂર્ણ અવસ્થા જોઈ ઇન્દ્રભૂતિ ક્ષુબ્ધ થઈ ગયા. ઉપવનમાં આવી ભગવાન સમક્ષ ગોચરીનાં પાત્રો મૂકતાં તેમણે કહ્યું :

“પ્રભુ આજે મેં એવા દુઃખી અને રોગી માણસને જોયો જેના જેવું જગતમાં બીજું કોઈ દુઃખી નહિ હોય.”

ભગવાને કંઈ ઉત્તર ના આપ્યો તેથી ઇન્દ્રભૂતિએ તેમની સામે જોયું તો ભગવાન દૂર-દૂર કંઈ જોઈ રહ્યા હોય તેમ લાગ્યું. તેમણે થોડીકવાર રહીને કહ્યું,

“જગતમાં દુઃખનો કંઈ પાર નથી; પણ કરુણતા એ છે કે માણસ દુઃખના ડુંગર ખોદીને સુખ કાઢવા માથે છે. ઇન્દ્રભૂતિ તારે ખરા રોગી અને દુઃખી માણસને જોવો હોય તો કાલે રાણી મૃગાવતીના કુમારને જોઈ આવજે. શરૂમાં તે અન્ય રાજકુમારોને બતાવશે પણ તું વિનંતી કરજે કે તારે તો દુઃખથી પીડાતો જે રાજકુમાર નીચે ભૂતળના ખંડમાં રાખેલો છે તેને જોવાની ઈચ્છા છે. આજે તે જે જોયું તે એ રાજકુમારની વેદના પાસે કંઈ નથી.”

બીજે દિવસે ઇન્દ્રભૂતિ રાજગૃહે પહોંચી ગયા અને રાણી મૃગાવતીને મળવાની ઈચ્છા દર્શાવી. થોડીવારે રાણી પધાર્યા. તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ દેખાતાં હતાં. મુનિની વિનંતીનો તેમણે સાશ્ચર્ય સ્વીકાર કર્યો અને પોતાના રાજકુમારોને બોલાવ્યા. રૂડાંરૂપાળા રાજકુમારોએ આવીને વિનયથી મુનિને વંદન કર્યા. મુનિએ યથાયોગ્ય આશીર્વચનો કહયાં. રાજકુમારોના વિદાય થાય પછી ઇન્દ્રભૂતિએ કહ્યું,

“રાણીજી, મારે તો ભૂતલના ખંડમાં રહેલા આપના કુમારને જોવા છે. ભગવાને મને તે વિષે માહિતી આપી છે.’

મૃગાવતી સહેજ વિચારમાં પડયાં પછી

તેમણે દાસીઓને બોલાવી ભોંયરામાં જવાનું દ્વાર ખોલવા કહ્યું. નિસરણી ઊતરીને નીચે આવતા રાણીએ કહ્યું.

“મહારાજ, આપના નાક ઉપર વસ્ત્ર ઢાંકી દો – દાસી જેવો ખંડ ખોલશે કે તેમાંથી અસહ્ય દુર્ગંધ આવશે જે તમે જીરવી નહિ શકો.”

ભોંયરાનું દ્વાર ખુલતાં જ અસહ્ય દુર્ગંધ ફેલાવતી હવા બહાર આવી. પગથિયાં ઊતરી રાજરાણી, મુનિ, અન્ય વિશ્વાસુ દાસદાસી ભૂતળના ખંડમાં પહોંચ્યાં. ત્યાં તો ઇન્દ્રભૂતિએ જે દ્રશ્ય જોયું તેવું તેમણે જીવનમાં ક્યારેય જોયું તો ન જ હતું પણ તેની તેઓ કલ્પના પણ ન કરી શકે. માંડ શરીરનો આકાર ધારણ કરેલો એક માંસલ પિંડ મુલાયમ મખમલ ઉપર પડયો હતો. તેમાંથી પાચ-પરુ-રુધિર અને અન્ય પ્રકારના ગંદા સ્રાવો થઈ રહ્યા હતા. અન્ય લોકોના આગમનના અવાજથી માંસના લોચા જેવો પેલો પિંડ સહેજ આમતેમ ગબડયો અને તેમ છતાં તેને જે અસહ્ય વેદના થઈ તેનાથી તે વિચિત્ર અવાજ કાઢીને કણસવા લાગ્યો. પાંચે કર્મેન્દ્રિયોની જગાએ પાંચ છિદ્રો હતાં. તેનાં અંગનાં ઉપાંગ તો શું પણ કોઈ ઈન્દ્રિયનો પણ વિકાસ થયો ન હતો અને વિધિની વિચિત્રતા કહો કે તે વળી જીવંત હતો. દાસીઓએ રાણીની સૂચનાથી દૂધ અને જળ જેવા પ્રવાહી પદાર્થો જેને માંડ મુખ કહી શકાય તેવા પિંડના માંસલ પિંડ મુલાયમ મખમલ ઉપર પડયો હતો. તેમાંથી પાચ-પરુ-રુધિર અને અન્ય પ્રકારના ગંદા સ્રાવો થઈ રહ્યા હતા. અન્ય લોકોના આગમનના અવાજથી માંસના લોચા જેવો પેલો પિંડ સહેજ આમતેમ ગબડયો અને તેમ છતાં તેને જે અસહ્ય વેદના થઈ તેનાથી તે વિચિત્ર અવાજ કાઢીને કણસવા લાગ્યો. પાંચે કર્મેન્દ્રિયોની જગાએ પાંચ છિદ્રો હતાં. તેનાં અંગનાં ઉપાંગ તો શું પણ કોઈ ઈન્દ્રિયનો પણ વિકાસ થયો ન હતો અને વિધિની વિચિત્રતા કહો કે તે વળી જીવંત હતો. દાસીઓએ રાણીની સૂચનાથી દૂધ અને જળ જેવા પ્રવાહી પદાર્થો જેને માંડ મુખ કહી શકાય તેવા પિંડના છિદ્ર ઉપર રેડયા. તે શરીરમાં ઊતરતાં થોડીકવારમાં જ તેનાં નિહારના દ્વારો જેવાં છિદ્રોમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવા લાગ્યું. રાણીએ દાસીને તે પુત્ર-પિંડને બાજુની મખમલની ગાદી ઉપર ખસેડવા સૂચના આપી. દાસીએ અતિ વિવશતાથી આજ્ઞાનું પાલન કર્યું ; પણ આ હલન-ચલન દ્વારા એ માંસપિંડને કારમી વેદના થઈ જેનાથી તે ચિત્ર-વિચિત્ર અવાજ કાઢીને કણસવા લાગ્યો.

રાણી મૃગાવતી સજળ નેત્રે પાછાં ફર્યા. ઇન્દ્રભૂતિ અને અન્ય દાસ-દાસીઓ પણ ભોયરાનું દ્વાર બંધ કરી નિસરણી ચડી બહાર આવી ગયાં. આ જુગુપ્સાભર્યા દ્રશ્યનો એટલો બધો ભાર સૌનાં હૈયાં ઉપર હતો કે કોઈ કંઈ બોલી શક્યું નહિ. ઇન્દ્રભૂતિ ઉતાવળે પગલે ઉપવનમાં આવીને ભગવાનના પગ પકડીને બેસી ગયા. પછી કંઈક કળ વળતાં બોલ્યા, “પ્રભુ ! અસહ્ય યાતનાને મેં આજે સદેહે જોઈ. ભગવાન, આ જીવ આવું ઘોર દુઃખ કેમ વેઠે છે અને તેનો છૂટકારો પણ થતો નથી – તેનું કારણ ?”

“ઇન્દ્રભૂતિ, આ જીવ પૂર્વના જન્મમાં એક ભવમાં લોહખુમાણ નામે એક જાગીરદાર હતો. તેનાં તાબામાં પાંચસો ગામ હતાં. તે દુરાચારી, વ્યસની અને ઘાતકી હતો. તે પ્રજાજનો ઉપર અનેક અત્યાચારો ગુજારતો હતો. કરપીણ રીતે તે માણસોનાં આંખ-કાન-નાક અને અન્ય અંગ-ઉપાંગો છેદી નાખતો હતો અને તેની અસહ્ય વેદના ભોગવતા જીવોને ઉકરડા ઉપર ફેંકી દેતો હતો. કારમી પીડાથી આ માણસો ચીસો પાડતા ત્યારે લોહખુમાણ અતિખુશ થઈ જતો હતો. વેદનાભરી ચીસો સાંભળીને તેને મજા આવતી હતી. આમ, તેણે ઘણાં ભયંકર પાપકર્મોનો સંચય કર્યો. પરિણામે લોહખુમાણ મૃત્યુ પછી નરકમાં ગયો. ત્યાં લાંબો કાળ પસાર કરીને તે આ ભવમાં મૃગાવતી રાણીની કૂખે ઉત્પન્ન થયો, તેનાં પૂર્વભવના ઘાતકી ને ક્રૂર કર્મોનો ઉદય અત્યારે પ્રવર્તે છે, જેને લીધે તે અંગ-ઉપાંગ વગરનો આ ભવમાં જન્મ્યો. તેના માતા-પિતાએ પણ આગળના ભવોમાં અન્યની અસહ્ય પીડામાં ક્યાંક આનંદ લીધેલો તેથી તેમને પણ પુત્રની આ અવસ્થા જોઈ દુઃખી થવાનો સમય આવ્યો. પણ રાજા-રાણીએ બીજાં ઘણાં પુણ્યકર્મો કર્યા હતાં તે પણ અત્યારે ઉદયમાં આવેલાં છે તેથી બીજી બધી રીતે તેમને સુખ-સંપત્તિ વગેરે મળ્યાં. આજે તેઓ, પોતાના પુત્રની આ પરિસ્થિતિ જોઈને જે અસહ્ય માનસિક યાતના ભોગવે છે તે પણ તેમના યથાતથા પાપકર્મને લીધે જ ભોગવે છે.”

વિકૃત અંગ-ઉપાંગો, દેહાકૃતિ, રૂપરંગ, ત્વચા, શરીરનું બંધારણ એ બધું પોતાનાં જ પૂર્વકર્મ પ્રમાણે મળે છે. જન્મની સાથે મળેલા રોગો કે આગળ જતાં ઊભા થતા વારસાગત રોગો પણ પૂર્વકર્મના ઉદયે આવી મળે છે. જ્યાં સુધી એ દુઃખો અને વેદના ભોગવવા માટે અનુકૂળ ભવ ન મળે, કાળ ન પાકે ત્યાં સુધી એ કર્મો સક્રિય થયા વિનાં પડી રહે છે એટલે કે સત્તામાં રહે છે. આમ, સત્તામાં પડેલાં કર્મો પોતાનો પ્રભાવ તાત્કાલિક બતાવતાં નથી પણ પોતાને સક્રિય થવાની તકની પ્રતીક્ષા કરતાં હોય છે.

શરીરનાં અંગ-ઉપાંગ, દેહાકૃતિ, રૂપ-રંગ ઈત્યાદિની રચના કરનાર કર્મને નામકર્મ કહે છે. (અહીં નામનો અર્થ આપણા વ્યવહારમાં જેને નામે કહીએ છીએ તે નથી) નામકર્મને આપણા સમગ્ર વ્યક્તિત્વ સાથે સબંધ રહેલો છે. આપણને મળતી મળેલી દેહાકૃતિ ઇત્યાદિ માટે આપણે કોઈને દોષ દેવાની જરૂર નથી. તે આપણાં જ કરેલાં કર્મોના પરિપાક છે.

કર્મનો નિયમ અટલ છે માટે અન્ય જીવોની હિંસા કરતા પહેલાં, અન્ય જીવોના અંગ-ઉપાંગોનો વિચ્છેદ કરવા પહેલાં જો જીવ ચેતી જાય અને પોતાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને બદલી નાખે તો તે ઘણા મોટા અનિષ્ટમાંથી બચી જાય.