Spread the love

શિષ્યો ગુરુનો ઉપદેશ સાંભળવા ઉત્સુક હતા. ગુરુ સમયસર આવ્યા અને કહ્યું : “આજના ઉપદેશનો સમય પૂરો થયો કાલે મળીશું” શિષ્યોને આશ્ચર્ય થયું. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે ગુરુ આજે મૂડમાં નહીં હોય આપણને નિરાશ કર્યા.

બીજે દિવસે વળી શિષ્યો ઉપદેશ સાંભળવા હાજર થઈ ગયા. ગુરુ આવ્યા અને કહ્યું : “તમે બધા ઘેર જાઓ અને મનોમન વિચાર કરજો કે મેં આજે પણ તમને બોધ નથી આપ્યો, તેનું કારણ શું ?

શિષ્યો નિરાશ થઈ વિદાઈ થયા. મનોમન ગુરુને ભાંડવા લાગ્યા કે ગુરુ બહાનાખોર છે. હવે આપણે તેની પાસે જ્ઞાન લેવું નથી !

ત્રીજે દિવસે ગુરુ એ શિષ્યો પૈકી એક શિષ્યને ઘેર ગયા. શિષ્ય ઉપરના ખંડમાં બેસી ગુરુની નિંદા કરી રહ્યો હતો અને પોતાને સદગુરુ મળે તેવી ભગવાન સમક્ષ પ્રાર્થના કરી રહ્યો હતો.

ગુરુ બીજા, ત્રીજા અને ચોથા શિષ્યને ઘેર ગયા. બધા જ શિષ્યો એકાંતમાં બેસી ગુરુની નિંદા કરી રહ્યા હતા.

એ પછી એક અઠવાડિએ એ શિષ્યોના ગામમાં ગુરુએ એક ઉપદેશ સભા રાખી. ગુરુ ઉપદેશમાં કહી રહ્યા હતા : જિંદગી પોતે જ તમારો ગુરુ છે. ઘટનાને રાગ-દ્વેષથી જોવાને બદલે અનાસક્તિથી મૂલવો તો બીજાનો દોષ જોવાની દ્રષ્ટિ આપોઆપ દૂર થઈ જશે. મનને ભૂંડું જોવાની તાલીમ આપશો તો એ ભૂંડું જોશે અને રૂડું જોવાની તાલીમ આપશો તો એ રૂડું જોશે. એટલે બુદ્ધિની શુદ્ધિ પહેલાં પછી ધર્મની વાત. મે મારા શિષ્યોની બુદ્ધિશુદ્ધિની પરીક્ષા કરવા તેમને ઉપદેશ આપ્યા વગર ઘેર પાછા મોકલ્યા હતા. એની પાછળ મારો આશય તેમને સંયમ અને સહિષ્ણુતાનો પાઠ ભણાવવાનો હતો. માણસ પોતાના ખોટા કાર્યને ગુનેગારની દ્રષ્ટિએ જોવાને બદલે સ્વયં ન્યાયાધીશની દ્રષ્ટિએ જુએ છે અને મન તેને મનગમતું જજમેન્ટ આપે છે એટલે માણસ ખુશ થઈ જાય છે.

પૂજા-પ્રાર્થના-કર્મકાંડ એ બધાં સાધનો છે. માંગણીનું માધ્યમ નથી. બુદ્ધિ આપોઆપ શુદ્ધ થતી નથી. એને માંજવી પડે છે. અંદરથી શ્રેષ્ઠ બનવાનો વિચાર કરશો તો જ બહારનું તમારું આચરણ શ્રેષ્ઠ બનશે. ધર્મશીલ બનવું એના પહેલાં કર્મશીલ બનવું જરૂરી છે. કોઈ વ્યક્તિ તમને ન ગમતું આચરણ કરે ત્યારે તેની ટીકા કરવાને બદલે સકારાત્મક દ્રષ્ટિથી એમ વિચારો કે મારામાં એવી કઈ ખામી હતી જેને કારણે તે વ્યક્તિને મારી વિરુદ્ધ વિચારવાની ફરજ પડી ? આત્મદર્શન વગરની ભક્તિ કેવળ પોતાની જાતને તુષ્ટ કરવાનો બાહ્ય પ્રયત્ન છે. જીવન એક દર્પણ છે. તમે જેવા છો એવા તમને દેખાડે છે પરંતુ માણસ સુંદર બનાવને બદલે સુંદર દેખાવાનું પસંદ કરે છે એટલે મેકઅપ કરી-કરાવી પોતે સુંદર છે, એવા અભિમાનને પોષે છે.

રામદેવ સાહુએ “પીડા” શીર્ષકથી એક પ્રસંગ આલેખ્યો છે. તદનુસાર “ચૈતન્ય મહાપ્રભુ ત્યારે નવદ્વીપમાં રહેતા હતા. વ્યાકરણના અભ્યાસ પછી ન્યાય દર્શનનો અભ્યાસ કરી રહ્યા હતા. પોતાના સહપાઠી મિત્રો સાથે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા હતા. એ દરમ્યાન એમણે ન્યાયદર્શન પર એક ગ્રંથ લખવાનું બીડું ઊઠાવ્યું અને રાત દિવસ તેની પાછળ મહેનત કરવામાં તલ્લીન બની ગયા.

ચેતન્યનો એક મિત્ર રઘુનાથ પણ ન્યાયશાસ્ત્ર પર “દીધિતિ” નામનો ગ્રંથ તૈયાર કરી રહ્યો હતો. રઘુનાથને ખબર પડી કે ચૈતન્ય દેવ પણ ન્યાયશાસ્ત્ર પર ગ્રંથ લખી રહ્યા છે. રઘુનાથે ચૈતન્યના એ ગ્રંથને જોવાની ઈચ્છા દર્શાવી. બીજે દિવસે પાઠશાળા જતી વખતે ચૈતન્યને તે ગ્રંથ રઘુનાથને બતાવવા પોતાની સાથે લઈ ગયા.

બંને મિત્રો નાવમાં બેસીને ગંગા પાર કરી રહ્યા હતા. ચૈતન્ય પોતાનો ન્યાયદર્શન ઉપરનો ગ્રંથ રઘુનાથને વાંચી સંભળાવવા લાગ્યા. ચૈતન્યનો ન્યાયદર્શન અંગેનો પાઠ સાંભળતા – સાંભળતાં એમના મિત્ર રઘુનાથની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જોઈ ચૈતન્યને આશ્ચર્ય થયું. એમણે પોતાના મિત્ર રઘુનાથને રડવાનું કારણ પૂછ્યું.

મિત્ર રઘુનાથે સમગ્ર વાત સાચેસાચ કહી સંભળાવી. “મેં જયારે ન્યાયશાસ્ત્ર પર ગ્રંથ લખવાની શરૂઆત કરી ત્યારે મારી મહેચ્છા હતી કે મારો ગ્રંથ ન્યાયશાસ્ત્રનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ બને, પણ તમારો ગ્રંથ જોઈને મારી આશા ઝાંખી પડી ગઈ. તમારા ગ્રંથ સામે મારો ગ્રંથ ટકી શકે તેમ નથી !”

ચૈતન્યએ બાળકની જેમ હસતાં-હસતાં કહ્યું : “બસ, આટલી નાનકડી વાત પર તું દુઃખી થઈ રહ્યો છે મિત્ર. “ચૈતન્યની વાતનો અર્થ રઘુનાથ સમજે એ પહેલાં ચૈતન્યએ પોતાનો ન્યાયશાસ્ત્ર પરનો ગ્રંથ ગંગાજીમાં પધરાવી દીધો. મિત્ર રઘુનાથ એ જોઈ સ્તબ્ધ થઈ ગયો. ચૈતન્યની ઉદારતાને સદાશયતા જોઈ તેમના ચરણોમાં પડી ગયો.

ત્યાગનું આ એક મહાન ઉદાહરણ છે. માણસે પોતાના સ્વાર્થ ખાતર આખા જગતને બિનતંદુરસ્ત સ્પર્ધાનો અખાડો બનાવી દીધો છે. માણસ સંચયમાં સુખ માને છે માટે એનું મન સાંકડું થતું જાય છે જેઓ કોરોના કાળમાં પોતાને ચેપ લાગવાની પરવા કર્યા સિવાય મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે ખડે પગે રહી માનવતા પૂર્ણ કાર્ય કરી રહ્યા છે. તેમનું પુણ્ય અવશ્ય પરમાત્માના ચોપડે નોંધાવા પાત્ર છે. સાચી સેવા એ આત્મોન્નતિ છે. હજારો ગ્રંથ વાંચ્યા કરતાં કે ધાર્મિક કથાઓના શ્રવણ કરતાં પણ વધુ પુણ્યદાયક છે. વિવેકને જાગૃત કરવો એ જ સાચું તપ છે. માણસ જીવનને લાલસા ખાતર આત્મરક્ષણ અને આત્મતુષ્ટિને સર્વસ્વ માને છે ત્યારે તેનું મન પરોપકાર, દયા, અહિંસા જેવા સદ્દગુણને નેવે મૂકીને સ્વાર્થની અંધકાર ભરી ગલીઓમાં ભટકવા માંડે છે. ખુદાને ખુશ રાખવા કરતાં ખુદને ખુશ રાખવાને જ જીવનનો પરમ ઉદેશ માને છે. સ્વાર્થ સદાય સિદ્ધ થશે જ એની ખાત્રી કોઈ આપી શકતું નથી. એટલે માણસ જેમ સ્વાર્થ વધારતો જાય છે, તેમ તેમ સ્વાર્થ સિદ્ધ નહીં થવાનો ભય તેને સતાવે છે, જે તનાવ કે માનસિક તાણ જન્માવે છે.

“ખાનદાની” સદગુણોનો ખજાનો છે” એ સંદર્ભે “માનવ થાઉં તો ઘણું” એ માટે એક સુંદર મજાની વાત છે,

બલ્ખના બાદશાહ ઇબ્રાહિમ ફકીરનું જીવન જીવતા હતા. એક વાર કોઈએ એમને પૂછ્યું : “સાંઈ, આપણે આજ સુધીમાં મોટામાં મોટો ધર્માત્મા – ખાનદાન માણસ મળ્યો છે ?” સુલતાને કહ્યું : “એક હજામ.” એ હજામને મેં કહ્યું કે ભાઈ, ખુદા ખાતર મારી હજામત કર. તેણે જે ભાવથી બાદશાહ કે અમીરની હજામત કરે તે કરતાં પણ વધુ ભાવથી મારી હજામત કરી. મેં તેને કહ્યું : “હમણાં તો મારી પાસે કશું નથી પણ મને સૌથી પહેલાં જે કાંઈ મળે તે તને આપીશ. એટલામાં મારા એક શિષ્યે મને સોનામહોરની એક થેલી મોકલી. એ થેલી મેં પેલા હજામને આપવા માંડી ત્યારે એણે કહ્યું : “સાંઈ, તમે નહોતું કહ્યું કે “ખુદાની ખાતર હજામત કર ?” પણ મેં કહ્યું : “ભાઈ, જો તો ખરો, આ તો હજાર સોનામહોરોની થેલી છે.” હજામે મને હસીને જવાબ આપ્યો : સાંઈ, ખરી સોનામહોરો એ થેલીમાં રહેલી નથી, પણ ખુદા ખાતર કામ કરવામાં રહેલી છે. ઉદારતા, ક્ષમા, ત્યાગ, પરોપકાર જેવા ગુણોનો સરવાળો એ ખાનદાની છે. આત્માનો ઉચ્ચ ભાવ છે જેની કિંમત પૈસાથી થઈ શકતી નથી. એના દર્શન વિરલ હોય છે પણ એનું અસ્તિત્વ છે, એથી જ માનવજાત ટકી રહી છે.

હૃદયને ઈશ્વરનું ઘર બનાવવા માટે
(૧) નિંદ્રાધીન બનવાનો તમારો અધિકાર, પણ નિંદાધીન બનવાનો લેશમાત્ર નહીં.
(૨) બહારથી ધર્માત્મા નહીં પણ અંદરથી ખાનદાન અને ઉદાત્ત ઇન્સાન બનો.
(૩) પ્રત્યકે કાર્યને કમાણીનું સાધન નહીં, પરમાત્માનું કાર્ય સમજી સમર્પણ ભાવે એ કાર્યને શ્રેષ્ઠ બનાવો.
(૪) ધર્મ એટલે સદાચાર, પ્રેમ, સેવા, સહિષ્ણુતા અને અહંકાર મુક્તિ – એ વાતને તમારા આચરણનો જીવન મંત્ર બનાવો.
(૫)શબ્દ કે વાણી એ પરમાત્માનું વરદાન છે, એટલે પ્રત્યેક શબ્દ ઈર્ષ્યા, દ્વેષ, લોભ, સ્વાર્થથી અલિપ્ત રહી પવિત્ર ભાવનાથી ઉચ્ચારો.            (૬)ચારિત્ર્યને તમારા જીવનનું સાચું આભૂષણ માનો.
(૭)શ્રેષ્ઠ ગૃહસ્થ કે ઉદાત્ત ગૃહિણી બનવું એ પણ એક તપ છે, એ વાત ધ્યાનમાં રાખો.