
ઇઝરાયેલ ‘ફર’ નામના રુંછાળા ચામડાનાં વસ્ત્રો ઉપર પ્રતિબંધ મૂકનાર પહેલો દેશ બન્યો. ઇઝરાયેલ ઠંડો દેશ નથી તેથી તેમાં ફરની ફક્ત આયાત અત્યંત રૂઢિચુસ્ત ધાર્મિક કાર્યોમાં પહેરાતા ગોળાકાર ટોપા માટે થાય છે. તે ટોપા ૫,૦૦૦ ડોલર જેટલી કિંમતે સેબલ કે શિયાળનાં પૂછડાંનાં ચામડામાંથી બને છે.તે માટે ફરની છૂટ છે.
જગતમાં દર વર્ષે એક બિલિયન યાને ૧,૦૦૦,૦૦૦,૦૦૦ સસલાં, તેમજ પાંચ કરોડ શિયાળ, સીલ, મિંક અને રેકૂન જેવા બીજાં પ્રાણીઓને જંગલમાંથી ફસાવીને પકડવા માટે સાણસા અને છટકાં હોય છે જેમાં પશુનો પગ ફસાય છે. તેમાંથી છૂટવા તરફડતું પ્રાણી ફસાયેલો પગ ચાવીને પણ છૂટવા મથે છે. તે રીતે ઝડપાયેલાં પ્રાણીઓને તેમનાં ચામડાં માટે કતલ કરાય છે. આ પ્રાણીઓની રૂંવાટી જેને ‘ફર’ કહેવાય છે, તે ફરનો એક ડગલો બનાવવામાં ૧૦૦ પશુઓનું ચામડું ખપે છે.
ફસામણી ઉપરાંત રૂંછાળાં પ્રાણીઓને ઉછેરવા ‘ફર ફાર્મ’ હોય છે, જેમાં સાંકડાં પાંજરામાં એ પશુઓનો જન્મ થાય છે અને તેમને મોટાં કરી ડગલાનાં કારખાનામાં મોકલી દેવાય છે. આ રીતે બંધિયાર રહ્યે-રહ્યે પશુઓની ૩૦ ટકા વસતીમાં Aleutian disease (AD) નામે રોગ ફેલાય છે, જેનો કોઈ ઉપાય હજી શોધાયો નથી. આવી અવિચારી અને બિનજરૂરી વ્યાપારી પ્રથા બંધ કરવા પશુકલ્યાણની સંસ્થાઓ ચળવળ કરી રહેલ છે અને ગયા માસમાં ઈઝરાયેલે ફર ઉદ્યોગ ઉપર કાપ મૂકી જગતમાં પ્રાણી કલ્યાણની પહેલ કરેલ છે.
ફર ઉદ્યોગમાં દુનિયાભરમાં લાખો ને કરોડો પ્રાણીઓમાં કરપીણ મોત કરાવાય છે. આ કાયદા વડે પર્યાવરણની રક્ષા થશે અને પશુઓની સુખાકારી સચવાશે. પશુકલ્યાણની સંસ્થા ‘પેટા’ (PETA) વર્ષોથી ચળવળ કરે છે, કે ઠંડા પ્રદેશોમાં લાખો ને કરોડો રૂંછાળાં શિયાળ, મિન્ક્સ, સસલાં અને એવાં બીજાં પ્રાણીઓને સાંકડાં પાંજરામાં ગીચોગીચ ઉછેરી તેમને ઝેર કે વીજળીના આંચકાથી અથવા ગેસ કે ટૂંપો દઈને અથવા તેમનાં જનનાંગો છૂંદીને મારી નાખી યુરોપ, અમેરિકામાં તેમનાં મુલાયમ ચામડાંનાં ફેશનેબલ ડગલા બનાવાય છે, તે હીન કૃત્ય છે ને તેની ઉપર પ્રતિબંધ મૂકો. ગયા મહિને દુનિયામાં પહેલી વાર એ પ્રતિબંધનો કાયદો અમલમાં આવ્યો છે, ઇઝરાયેલમાં ! અને પેટા તેમજ પશુપ્રેમીઓએ સમસ્ત ફર ઉદ્યોગને યાદ દેવડાવ્યું કે ફરનાં વસ્ત્રો અનૈતિક છે, બિનજરૂરી છે અને જૂનવાણી છે.
ઇઝરાયેલ ઉપરાંત ગયા વર્ષે ફ્રાંસે મિંક ઉછેરનાં ફાર્મો ઉપર પ્રતિબંધ મૂક્યો. તે પછી ડેન્માર્કની ‘કોપનહાગન ફર’ નામે દુનિયાની સૌથી મોટી ફર નિલામની કંપનીએ જાહેર કર્યું કે ડેન્માર્કમાં ફર વિરોધી આંદોલનથી પ્રેરાઈને તે ફરનો વેપાર સંકેલી લેવાની છે. યુનાઇટેડ કિંગ્ડમે 2003માં ફર ઉછેર ઉપર પ્રતિબંધ મુક્યો, તેમજ બેલ્જીયમ, ક્રોએશિયા, નેધરલેન્ડ, નોર્વે અને ઓસ્ટ્રિયા જેવા યુરોપીયન દેશોમાં કોઈને કોઈ સ્વરૂપે ફર ઉદ્યોગનો અસ્ત થઈ રહેલ છે.
ફરના પોષાકોને લોકપ્રિય અભિનેત્રીઓ તેમજ ગાયકોએ વખોડયા છે અને તેના સ્થાને સિન્થેટિક ફરના પોષાકોને અપનાવ્યા છે. ફર પહેરેલી મહિલાઓ ઉપર ભૂંડનાં લોહીની પિચકારી મારીને પ્રાણીપ્રેમીઓએ વિરોધ દર્શાવ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં 2019ની સાલમાં ફરનું વેચાણ ગેરકાયદેસર ઠરાવાયું છે. હ્યુમેઈન સોસાયટી નામે પશુકલ્યાણ સંસ્થા કહે છે કે ફર ઉદ્યોગનાં પશુઓનો ઉછેર અને હત્યા મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને રશિયામાં થાય છે.
પેટા સંસ્થા કહે છે કે હાલમાં જ અમેરિકા, ડેન્માર્ક અને બીજાં ચાર દેશોના મીન્ક ઉછેર ફાર્મમાં કોરોના વાઇરસ ફાટી નીકળેલો. મિંક આદિ પશુઓને ગીચોગીચ સાંકડાં પાંજરાંમાં પૂરી ઉછેરવાથી એમની કુદરતી હાજતો યોગ્ય રીતે થતી નથી અને એવી દશામાં મરણતોલ રોગો પૂરબહારમાં ફેલાય છે. તેવા રોગો ફેલાતાં અટકાવવા ડેન્માર્કની સરકારે તે દેશની દોઢ કરોડ મીન્કની વસતીની સરેઆમ કતલ કરવાનું જાહેર કર્યું છે. ફર ઉપરાંત હંસ, બતક કે રાજહંસની પીઠ કે પાંખોનાં પીંછાં તવંગરોના મુલાયમ ઓશીકાં ને પથારીઓ બનાવવામાં વપરાય છે અને તે માટેનાં ‘ફાર્મ’માં સાંકડાં પાંજરામાં આ પંખીઓને મોટાં કરી ઘેટાંનાં ઊનની માફક જીવતેજીવ એમનાં પીંછાં ખેંચી લેવાય છે ને બીજા વર્ષે ફરી તે જ ઘાતકી પ્રથાથી પીંછાંનો નવો ‘પાક’ લણી લેવાય છે. જય ગરુડ જય ગરુડ જય ગરુડ દેવા !
